વારંવાર આવતા ધરતીકંપને કારણે યમુના નદી શિફ્ટ થઈ શકે છેઃ દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી – આજે બપોરે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદ પર આવેલા ભૂકંપને પગલે રાજધાની નવી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર આંચકો લાગ્યો હતો. એ આંચકાની નોંધ લઈને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશો એસ. રવિન્દ્ર ભટ અને એ.કે. ચાવલાની વિભાગીય બેન્ચે  આજે જણાવ્યું છે કે વારંવાર આવતા ધરતીકંપના આંચકાઓને કારણે યમુના નદી તથા અન્ય કુદરતી ચીજો એક સ્થાનેથી કોઈ અન્ય સ્થાને શિફ્ટ થઈ શકે છે.

ન્યાયાધીશોએ કહ્યું કે, યમુના નદી તેના સ્થાનેથી ખસી રહી છે. એવી જ રીતે સરોવરો પણ એમના સ્થાનેથી ખસી રહ્યા છે. આજે પણ ધરતીકંપ આવ્યો હતો. જો આ રીતે ધરતીકંપ અવારનવાર આવતા રહેશે તો આ બધી કુદરતી ચીજો એક સ્થાનેથી અન્ય સ્થાને શિફ્ટ થઈ શકે છે.

એક કેસની સુનાવણી વખતે દિલ્હી જલ બોર્ડના વકીલે રજૂઆત કર્યા બાદ ન્યાયાધીશોએ ઉપર મુજબનું અનુમાન વ્યક્ત કર્યું હતું. વકીલે એમ કહ્યું હતું કે યમુના નદીની નહેરોના માર્ગમાં ફેરફારો થયો હોવાને લીધે દક્ષિણ દિલ્હીમાં સિદ્ધાર્થ એક્સ્ટેન્શન વિસ્તારમાં પાણીની સર્જાયેલી તંગી ચિંતાની બાબત છે.

વકીલે એમ કહ્યું હતું કે બોરવેલ્સ ખોદીને એમાંથી દરરોજ 10 લાખ લીટર પાણી મેળવવામાં આવી રહ્યું છે, પરંતુ આનો કોઈક કાયમી ઉકેલ શોધવો પડશે. સિદ્ધાર્થ એક્સ્ટેન્શન વિસ્તાર યમુના નદીના માર્ગની નિકટ છે તે છતાં ત્યાંની નહેરોમાં પાણી ઘટી રહ્યું છે.

આજે બપોરે અફઘાનિસ્તાનના હિંદુકુશ પર્વતીય વિસ્તારમાં આવેલા ધરતીકંપને કારણે ઉત્તર ભારતમાં તીવ્ર આંચકો લાગ્યો હતો. લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પરંતુ ભૂકંપ જમીનમાં ઘણે ઊંડે થયો હોવાને લીધે ક્યાંય કોઈ નુકસાન થયું નથી.

આજે બપોરે 12.36 વાગ્યાના સુમારે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ પર આવેલા ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 6.2ની નોંધાઈ હતી. એને મધ્યમ પ્રકારનો ગણવામાં આવ્યો છે. ધરતીકંપ અમુક સેકંડ સુધી રહ્યો હતો.

ભૂકંપનો આંચકો જમ્મુ અને કશ્મીર, ઉત્તરીય રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લાગ્યો હતો, પરંતુ સદ્દભાગ્યે ક્યાંય જાનહાનિ થઈ નથી કે મિલકતને નુકસાન પણ થયું નથી.

ભૂકંપ જમીનથી 190 કિ.મી. ઊંડે આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું.