મહારાષ્ટ્રમાં નશીલા પદાર્થોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રાયગઢ જિલ્લાના મહાડ ઔદ્યોગિક વિસ્તારમાં એક ગુપ્ત ડ્રગ્સ લેબ પર દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં NCBની ટીમે 46.8 કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું, જેની બજાર કિંમત લગભગ 50 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ સાથે બે શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી. NCBના જણાવ્યા પ્રમાણે, આ કાર્યવાહીની શરૂઆત મુંબઈના ભાંડુપ વિસ્તારમાંથી થઈ. ટીમે એક મકાનમાં દરોડો પાડ્યો, જ્યાં શોધખોળ દરમિયાન એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં છુપાવેલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. તપાસમાં આ જથ્થો મેફેડ્રોન હોવાનું સ્પષ્ટ થયું. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે આ નશીલો પદાર્થ મહાડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક લેબમાં તૈયાર કરાયો હતો.
પકડાયેલા બે આરોપીઓમાંથી એકની સામે પહેલાંથી જ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થ (NDPS) અધિનિયમ હેઠળ બે કેસ નોંધાયેલા છે. આ આરોપી સામે રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI)એ પણ કેસ દાખલ કર્યો હતો. તે જામીન પર બહાર હતો અને આ ડ્રગ્સ નેટવર્કમાં સક્રિય હતો. આરોપીઓની પૂછપરછ બાદ NCBએ મહાડની લેબોરેટરી પર દરોડો પાડ્યો અને તેને સીલ કરી દીધી. આ દરોડામાં રસાયણો પણ જપ્ત કરાયા. આ મામલે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાયો છે. અધિકારીઓનું કહેવું છે કે આ નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી હોઈ શકે છે, જેની તપાસ હાથ ધરાઈ છે.
મહારાષ્ટ્રમાં ડ્રગ્સની સમસ્યા ગંભીર બની રહી છે. આ પહેલાં ડિસેમ્બર 2024માં થાણેમાં બે અલગ-અલગ ઓપરેશનમાં 11 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન અને કોડીન સીરપ જપ્ત થયું હતું. થાણે ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી નાર્કોટિક્સ સેલે ખોનીગાંવના એક શખ્સ પાસેથી 60.3 ગ્રામ મેફેડ્રોન (કિંમત 7.43 લાખ) અને મુંબ્રાના નવાઝ પવલે પાસેથી ડ્રગ્સ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી હતી. ડિસેમ્બરમાં જ ઉલ્વે વિસ્તારમાં પોલીસે શંકાસ્પદ 39 વર્ષીય અને 45 વર્ષીય બે શખ્સોની તપાસ કરી, જેમની પાસેથી પ્લાસ્ટિકના બે પેકેટમાં 71.3 ગ્રામ મેફેડ્રોન મળ્યું. આમાં એક આરોપી ફૂડ ડિલિવરી બોય હતો, જ્યારે બીજો ફાર્મહાઉસની સંભાળ રાખતો હતો. આ ઘટનાઓ રાજ્યમાં ડ્રગ્સના વધતા પ્રભાવને ઉજાગર કરે છે.
