પુરીઃ NDAનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રોપદી મુર્મુએ ઓડિશામાં રાયરંગપુરના જગન્નાથ મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. દ્રોપદી મુર્મુ ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ છે અને તેઓ સર્વોચ્ચ બંધારણીય પદની ચૂંટણી લડનારાં પહેલાં આદિવાસી નેતાં છે. દેશનાં પહેલાં આદિવાસી મહિલા રાજ્યપાલ હોવાની નામના તેમના નામે નોંધાયેલી છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા રાષ્ટ્રપતિપદનાં ઉમેદવારને લઈને જોખમના અંદેશા સંબંધી રિપોર્ટ રજૂ કર્યા પછી ગૃહ મંત્રાલયે ઓડિશા સ્થિત અર્ધસૈનિક દળના જવાનોની એક ટુકડી મુર્મુની સુરક્ષાની જવાબદારી પૂરી પાડી છે.
તેમણે ઝારખંડનાં રાજ્યપાલ તરીકે 18 મે, 2015એ શપથ લીધા હતા. તેઓ ઓડિશામાં બે વાર વિધાનસભ્ય અને એક વાર રાજ્યપ્રધાન તરીકે કામ કરી ચૂક્યાં છે. રાજ્યપાલ તરીકે પાંચ વર્ષનો તેમનો કાર્યકાળ 18 મે, 2020એ પૂરો થયો હતો. તેમના કાર્યકાળમાં તેઓ ક્યારેય વિવાદોમાં નથી રહ્યાં. ઝારખંડના જનજાતીય કેસો, શિક્ષણ, કાયદાની વ્યવસ્થા અને આરોગ્યથી જોડાયેલા મુદ્દાઓ પર તેઓ હંમેશાં સતર્ક રહ્યાં છે. કેટલીય વખત તેમણે રાજ્ય સરકારોના નિર્ણયોમાં બંધારણીય ગરિમા અને શાલિનતાની સાથે હસ્તક્ષેપ કર્યો છે.વર્ષ 2017માં પણ રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટે તેમના નામની ચર્ચા થઈ હતી. NDAનાં નેતા નરેન્દ્ર મોદી ચોંકાવનારા રાજકીય નિર્ણયો માટે જાણીતા છે અને એવામાં નિર્વિવાદ રાજકીય કેરિયરવાળાં આદિવાસી નેત્રી દ્રોપદી મુર્મુનું નામ રાષ્ટ્રપતિ પદ માટે બહાર આવવું એ આશ્ચર્ય નથી, એમ રાંચીના હિન્દી દૈનિકના મુખ્ય તંત્રી હરિનારાયણ સિંહે કહ્યું હતું.
દ્રોપદી મુર્મુની પાસે રાજ્યપાલ તરીકે છ વર્ષથી વધુનો કાર્યકાળનો બહોળો અનુભવ છે. એટલે શક્યતા છે કે તેમની ઉમેદવારીથી NDA દેશમાં પ્રતીકાત્મક સંદેશ આપવાના પ્રયાસ કરશે.