લખનૌઃ ઉત્તર પ્રદેશના કન્નોજમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર એક ભીષણ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે 19થી વધુ લોકો ઘાયલ થયા છે. લખનૌથી આગ્રા જઈ રહેલી ડબલ ડેકર બસ કન્નૌજ પાસે એક ટ્રમાં ઘૂસી હતી. ઘાયલ લોકોને તાત્કાલિક સૈફઈ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત બપોરે કન્નોજ જિલ્લાના સકરાવા પોલીસ સ્ટેસનના આગરા-લખનૌ એક્સપ્રેસ 141 પર ઓરૈયા બોર્ડરની પાસે થયો હતો. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર અપાઈ રહી છે.
આ અકસ્માત સમયે જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પણ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તેમણે અકસ્માત જોઈને પોતાનો કાફલો રોકાવ્યો હતો અને ઘાયલ લોકોને તાત્કાલિક મદદ કરવા માટે આદેશ આપ્યો હતો. મંત્રીએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરી હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર બસ ભરેલી હતી અને કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
અકસ્માતના સ્થળે નજીક એક ટેન્કર પણ હાજર હતું. બસ સાથેની ટક્કરથી ટેન્કરમાં આગ લાગી ગઇ હતી. આ કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. નજીકના લોકો તાત્કાલિક બચાવ કાર્ય માટે આગળ આવ્યા અને પોલીસને જાણ કરી. અકસ્માતને કારણે લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
