‘બમ બમ ભોલે’ના નાદ વચ્ચે કેદારનાથ મંદિરના દ્વાર ફરી ખુલ્લા મુકાયા

દેહરાદૂનઃ શિયાળાની મોસમમાં અત્યંત ભયજનક પ્રતિકૂળ હવામાન સમાપ્ત થતાં પવિત્ર કેદારનાથ ધામ મંદિરને આજથી શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સાથે જ કેદારનાથ યાત્રા આજથી ફરી શરૂ થઈ ગઈ છે.

સવારે 6.20 વાગ્યે ગાત્રો થીજાવી દે એવી ઠંડીમાં, પરંપરાગત પૂજા-અર્ચના, વૈદિક મંત્રોચ્ચાર સાથે અને ‘હર હર કેદાર’, ‘હર હર મહાદેવ’, ‘જય બાબા કેદારનાથ’, ‘બમ બમ ભોલે’, ‘જય ભોલેનાથ’ જેવા નારા અને ઢોલ-નગારાના તાલ વચ્ચે હિન્દૂઓના પવિત્ર એવા કેદારનાથ ધામ મંદિરના દ્વાર આજે વહેલી સવારે ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

મંદિરના વડા પૂજારી જગદ્દગુરુ રાવલ ભીમા શંકર લિંગ શિવાચાર્યએ મંદિરના દ્વાર ખોલ્યા હતા. એ વખતે ત્યાં હાજર હજારો શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દિવ્ય, અલૌકિક દર્શનનો લ્હાવો લીધો હતો. લગભગ 8,000 ભક્તોની મોટી ભીડ દર્શન માટે ઉમટી હતી. મંદિર પરિસરમાં એ માટે લાંબી લાઈન લાગી હતી.

11મા જ્યોતિર્લિંગ ભગવાન શ્રી કેદારનાથ (શંકર ભગવાન)ને સમર્પિત આ મંદિરને દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિરને કેસરી રંગના ગલગોટાના 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

હિન્દૂધર્મીઓ કેદારનાથ ધામને દેશના સૌથી પવિત્ર યાત્રાસ્થળોમાંનું એક ગણે છે.

જોકે પ્રતિકૂળ હવામાન હજી ચાલુ જ હોવાથી અને એક અઠવાડિયા સુધી રહેવાનું હોવાથી ઉત્તરાખંડ સરકારે કેદારનાથ ધામ યાત્રા માટે યાત્રાળુઓ તરફથી નવી રજિસ્ટ્રેશન અરજીઓ સ્વીકારવાનું હાલ અટકાવી દીધું છે. યાત્રાના સ્થળે ભારે હિમવર્ષા થવાની અને હવામાન ખરાબ રહેવાની ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે. કેદારનાથ ધામના રૂટ પર ભારે હિમવર્ષા થવા વિશે હવામાન વિભાગે એલર્ટ ઘોષિત કર્યું છે. કેદારનાથ ધામ માટેના પગપાળા રૂટ પર ત્રણથી ચાર ફૂટ બરફ છવાયો છે.