નવી દિલ્હીઃ કોરોના રોગચાળાથી બચવા માટે દેશના લોકોએ કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી લીધી હતી. પહેલાં એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં કબૂલ્યું કે એની રસીની કેટલીક આડઅસર થઈ શકે છે, હવે કોવેક્સિનની રસી લઈને પણ મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વર્ષની અંદર કેટલાક લોકોમાં આડઅસર જોવા મળી હતી.
દેશમાં બનેલી કોવેક્સિનની આડઅસર પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધનકર્તાઓને માલૂમ પડ્યું હતું કે કિશોરીઓ અને જેમને એલર્જીની બીમારી પહેલેથી છે, એ બધાને AESIનું વધુ જોખમ છે. રસી લગાવનારા મોટા ભાગના લોકોને એક વર્ષની અંદર આડઅસર જોવા મળી હતી.
આ અભ્યાસમાં 1024 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં 635 કિશોર અને 391 વયસ્ક લોકો હતો. આ બધાને રસી લગાવ્યાના એક વર્ષ પછી ફોલોઅપ ચેકઅપ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 304 કિશોરો એટલે કે 48 ટકામાં વાઇરલ અપર રેસ્પેરેટ્રી ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. એવી સ્થિતિ 124 એટલે કે 42.6 યુવાઓમાં પણ જોવા મળી હતી. આ સિવાય 10.5 ટકા કિશોરોમાં ન્યુઓનસેટ સ્કિન એન્ડ સબકુટૈનિયસ ડિસઓર્ડર જેવી આડઅસર જોવા મળી હતી.અહેવાલ મુજબ કોવેક્સિનની આડઅસર મહિલાઓમાં પણ જોવા મળી હતી, જેમાં 4.6 ટકા મહિલાઓમાં પિરિયડથી જોડાયેલી પરેશાની સામે આવી હતી, જ્યારે 2.7 ટકા લોકોને ઓકુલર એટલે કે આંખથી જોડાયેલી મુશ્કેલીઓ સામે આવી હતી.