જુનિયરના યૌન ઉત્પીડન મામલે DGPને ત્રણ વર્ષની કેદ  

ચેન્નઈઃ તામિલનાડુની એક કોર્ટે શુક્રવારે રાજ્યના ભૂતપૂર્વ સસ્પેન્ડ થયેલા DGP રાજેશ દાસને દોષી ઠેરવતાં ફેબ્રુઆરી, 2021માં એક જુનિયર મહિલા IPS અધિકારી દ્વારા દાખલ યૌન ઉત્પીડન મામલામાં ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી છે. એ સાથે દાસ પર રૂ. 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તામિલનાડુના વિલ્લુપુરમની એક કોર્ટે એક અન્ય પુરુષ પોલીસ અધિકારી પર પણ રૂ. 500નો દંડ ફટકાર્યો છે, જેણે તેના સહયોગીને બોસની વિરુદ્ધ ફરિયાદ નોંધતા અટકાવવાના પ્રયાસ કર્યા હતા.

મહિલા IPS અધિકારીએ ફેબ્રુઆરી, 2021માં વરિષ્ઠ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વરિષ્ઠ અધિકારીએ એ સમયે તેનું યૌન ઉત્પીડન કર્યું હતું, જ્યારે તેઓ તત્કાલીન મુખ્ય મંત્રી એદાપદ્દી કે. પલાનીસામીની સુરક્ષા માટે ડ્યૂટી કરતી વખતે પ્રવાસ કરી રહ્યા હતા.

આ ફરિયાદ પછી વર્ષ 2021ની વિધાનસભાની ચૂંટણીથી પહેલાં એ મુખ્ય મુદ્દો બની ગયો હતો.ત્યાર બાદ દાસની જગ્યાએ જયંત મુરલીને વધારાના ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.  AIADMK સરકારે રાજેશ દાસને સસ્પેન્ડ કરી દીધા હતા અને તપાસ માટે છ સભ્યોની સમિતિની રચના કરી હતી.

મદ્રાસ હાઇકોર્ટે શું કહ્યું?

આ ફરિયાદના મહિનાઓ પછી મદ્રાસ હાઇકોર્ટની વિલ્લુપુરમ કોર્ટની ન્યાયિક ક્ષમતાને પડકારનાર દાસની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ પી. વેલમુરુગને એ કહેતાં અરજી ફગાવી હતી કે હાઇકોર્ટના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ વિલ્લુપુરમ દ્વારા પસાર કરવામાં આવેલા આદેશમાં કોઈ વિકૃતિ નથી મળી.