નવી દિલ્હીઃ ગઠબંધનની રાજનીતિથી દિલ્હીની રાજનૈતિક ઓળખ પણ બદલાઈ રહી છે, જ્યાં હંમેશાથી સત્તા પર એક જ રાજનૈતિક દળ રહેતું આવ્યું છે અને ત્યાં હવે સત્તામાં ગઠબંધનના પ્રયત્નો શરુ થયા છે. આ જ કારણ છે કે આ વખતે પહેલીવાર કોંગ્રેસે પણ રાષ્ટ્રીય જનતા દળને સાથે લીધું છે. બીજીતરફ ભાજપાએ પરંપરાગત સહયોગી શિરોમણિ અકાલી દળને છોડીને લોક જનશક્તિ પાર્ટી અને જનતા દળ યૂનાઈટેડના રુપમાં નવા સાથી બનાવી લીધા છે. આમાં બે મત નથી કે આ વખતના ચૂંટણી પરિણામ દિલ્હીની રાજનૈતિક સ્થિતિ બદલી શકે છે.
મુગલકાળથી સત્તાનું કેન્દ્ર રહેલી દિલ્હીની ચૂંટણી માત્ર દિલ્હી માટે નથી હોતી પરંતુ અહીંયાથી આખા દેશને એક સંદેશ જાય છે. એટલા માટે અહીંયાની ચૂંટણી પર આખા દેશની નજર હોય છે. આ વખતે આ ચૂંટણી કંઈક અલગ જ રંગ લઈને આવી છે. વર્ષ 2015 ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત નોંધાવતા 70 પૈકી 67 સીટો પ્રાપ્ત કરી હતી. ભાજપે ત્રણે સીટો કોઈપણ પ્રકારે પ્રાપ્ત કરી લીધી પરંતુ કોંગ્રેસનું ખાતુ જ ન ખુલ્યું. આ વખતે પણ ત્રણેય પાર્ટીઓ માટે આ ચૂંટણી ખૂબ મહત્વની છે.
એક બાજુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ સત્તા બચાવવા માટે પૂરી તાકાત લગાવી છે, તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. તે કોઈપણ પ્રકારે દિલ્હીની રાજનીતિમાં પાછી આવવા માંગે છે. ભાજપ માટે દિલ્હીની સત્તા પ્રાપ્ત કરવી તે એક મોટો પડકાર છે. કારણકે દેશભરમાં થયેલી કેટલાય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે, હરિયાણામાં પણ મુશ્કેલીથી સત્તા બચાવવામાં સફળ રહી.
હવે ભાજપાએ પણ પોતાનું તમામ જોર લગાવ્યું છે. કોંગ્રેસે ટીકિટ પણ ખૂબ વિચારીને આપી છે. સોનિયા, પ્રિયંકા, રાહુલ સહિત કોંગ્રેસે પણ 40 સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. તો એક અલગ પ્રકારથી રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. જાટ સમુદાય જ્યાં રહે છે તેવા વિસ્તારમાં જાટ પ્રચાર કરશે અને પૂર્વાંચલના લોકો માટે પણ અલગ રણનીતિ બનાવવામાં આવી છે. તો આમ આદમી પાર્ટીએ સત્તા મેળવવા ખૂબ જાહેરાતો કરી છે. તો કોંગ્રેસ અને ભાજપે પણ ઘણી જાહેરાતો કરી છે. હવે આ તમામ પાર્ટીઓના પ્રયત્નોનું પરિણામ શું આવે છે, તે આવનારા સમયમાં જોવાનું રહેશે. અત્યારે ત્રણેય પાર્ટીઓ જનતાને આકર્ષવાના તમામ પ્રયત્નો કરી રહી છે.