દિલ્હી: દેશ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યામાં દિવસેને દિવસે સતત વધી રહી છે. પરિસ્થિતિ એટલી ખરાબ બની રહી છે કે, લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવા લાગી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. ડોક્ટરોનું કહેવુ છે કે પ્રદૂષણ વધતા લોકોમાં ઉધરસનું પ્રમાણ વધ્યું છે જેની સાથે આંખોમાં બળતરાના કેસો પણ વધી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પરિસ્થિતિને ધ્યાને રાખી સુપ્રિમ કોર્ટે 12મા ધોરણ સુધીની તમામ શાળાને બંધ રાખીને ઓનલાઈન શિક્ષણ આપવાના આદેશ પણ કર્યા છે. સુપ્રીમના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ અગસ્ટિન જ્યોર્જની બેંચ સમક્ષ વરીષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યે કહ્યું હતું કે દિલ્હીમાં ધોરણ 10 અને 12ના વર્ગો શાળામાં લેવાઇ રહ્યા છે જે બાદ તમામ ધોરણની શાળાઓને બંધ રાખવા અને ઓનલાઇન વર્ગો લેવાનો સુપ્રીમે આદેશ જારી કર્યો હતો. સાથે જ સ્ટોજ-4ના આકરા પ્રતિબંધોનો યોગ્ય રીતે અમલ કરવા પણ દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો. સોમવારે દિલ્હીનો એર ક્વોલિટી અત્યંત જોખમકારક સ્થિતિ પર પહોંચી ગયો હતો અને સીઝનની સૌથી વધુ AQI 493 પર પહોંચી ગયો હતો. સુપ્રીમે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી સાથે જ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી એર ક્વોલિટી ઇન્ડેક્સ 450ની નીચે ના આવે ત્યાં સુધી આકરા પ્રતિબંધોને હટાવવામાં ના આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના 36 એર મોનિટરિંગ સ્ટેશનોમાંથી 13 પર એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 સુધી નોંધાયો હતો. જે અત્યંત જોખમકારક સ્થિતિના સંકેતો આપે છે. આ સ્ટેશનોમાં ઇન્ડિયા ગેટ, દ્વારકા, સીરી ફોર્ટ, નોર્થ કેમ્પસ, રોહિણી વગેરેનો સમાવેશ થાય છે. દરમિયાન દિલ્હી યુનિવર્સિટીએ કોલેજેનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે, અને તમામ વિદ્યાર્થીઓના વર્ગો 23મી નવેમ્બર સુધી ઓનલાઇન ચલાવવામાં આવશે. જ્યારે દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોનું કહેવુ છે કે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાંથી પાણી વહેવા જેવી સમસ્યાઓવાળા દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે જો જરૂર પડી તો દિલ્હીમાં ફરી વાહનો માટે ઓડ ઇવન સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે. દરમિયાન દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધી જવાથી વિઝિબિલિટી પર અસર થઇ રહી છે. જેને પગલે 15 ફ્લાઇટોને ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે દિલ્હી એરપોર્ટ પર 100 જેટલી ફ્લાઇટોને વિલંબ થયો હતો. આ સ્થિતિની અસર લગભગ ૩૦૦ ફ્લાઇટોને થઇ છે.