નવી દિલ્હીઃ ઇન્ટેલિજન્સ બ્યુરોના કોન્સ્ટેબલ અંકિત શર્માની હત્યામાં તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે હવે આપના સસ્પેન્ડેડ કોર્પોરેટર તાહિર હુસૈનના ભાઈ શાહ આલમને હિરાસતમાં લીધો છે. તેની અંકિત શર્મા મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે.
શાહ આલમ ચાંદ બાગ વિસ્તારમાં થયેલી હિંસામાં સામેલ હતો. જોકે એની પુષ્ટિ થઈ નથી. પોલીસે જ્યાં તાહિર પર ચાર કેસ નોંધ્યા છે, ત્યારે બીજી બાજુ તેના નાના ભાઈ શાહ આલમ પર એક પણ મામલો નોંધ્યો નથી. શાહ આલમ ચાંદ બાગ વિસ્તારોમાં થયેલાં તોફાનોમાં હાજર હતો, એમ ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું છે.
ઉત્તર-પૂર્વ જિલ્લામાં થયેલાં તોફાનોના આરોપી અને કોર્પોરેટર તાહિર હુસૈનના મેનેજર તારિક રિઝવીને કડકડ્ડૂમા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. બીજી બાજુ તારિકના બે સાથીઓ (પિતા-પુત્ર)ને પોલીસે ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. કોર્ટે તારિકના સાથી રિયાસત અલીને ત્રણ દિવસની પોલીસ હિરાસતમાં અને તેના પિતા લિયાકતને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે.
બીજી બાજુ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં તોફાનો પછી લાશો મળવાનો સિલસિલો હજી ચાલુ છે. રવિવારે કરાવલ નગર પુશ્તાની પાસે એક યુવકની લાશ મળી હતી.