સાક્ષીની હત્યા કર્યાનો મને કોઈ પસ્તાવો થતો નથીઃ બોયફ્રેન્ડ સાહિલ

નવી દિલ્હીઃ ગયા રવિવારે દિલ્હીના એક રસ્તા પર રાહદારીઓની નજર સામે 16 વર્ષની છોકરી સાક્ષીની છરો ભોંકીને કરપીણ રીતે હત્યા કરનાર 20 વર્ષીય આરોપી સાહિલ ખાનની ધરપકડ કરાઈ છે. સ્થાનિક અદાલતે એને બે દિવસ માટે પોલીસ રીમાન્ડ પર મોકલી આપ્યો છે. સાહિલે એકરાર કર્યો છે કે એણે ગુસ્સામાં આવીને અપરાધ કર્યો હતો, પરંતુ તે છોકરીની હત્યા કરવા બદલ પોતાને કોઈ પસ્તાવો થતો નથી, એવું પણ તેણે પોલીસને કહ્યું છે.

સાહિલે 16 વર્ષની સાક્ષીને છરાના અસંખ્ય ઘા માર્યા હતા અને ત્યારબાદ પથ્થર વડે સાક્ષીનું માથું છુંદી નાખ્યું હતું. લગભગ ડઝન જેટલા રાહદારીઓએ તે ઘટના જોઈ હતી, પરંતુ કોઈ સાક્ષીની મદદે ગયું નહોતું. સાહિલ દિલ્હીમાં એસી મિકેનિક તરીકે કામ કરતો હતો. હત્યા કર્યા બાદ એ ફરાર થઈ ગયો હતો. દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં જઈને એને પકડ્યો હતો.

સાહિલે પોલીસને એમ પણ કહ્યું કે, સાક્ષી એની સાથે સંબંધ તોડવા માગતી હતી અને તે એનાં ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે ફરતી દેખાઈ હતી. ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એક ગૂંડો હતો. સાહિલે આ વિશે સાક્ષીને સમજાવી હતી, પણ સાક્ષી એની અવગણના કરતી હતી એટલે સાહિલને એની પર ગુસ્સો ચડ્યો હતો. હત્યા કર્યા બાદ સાહિલે છરો અને પોતાનો મોબાઈલ ફોન ફેંકી દીધા હતા અને બસમાં બેસીને બુલંદશહર જતો રહ્યો હતો. ત્યાં એ તેના કાકીનાં ઘરમાં સંતાઈ ગયો હતો.