નવી દિલ્હી: રાજધાનીમાં 576 સરકારી બંગલાઓ પર નિવૃત અધિકારીઓ અને પૂર્વ સાંસદોના ગેરકાયદે કબ્જાને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે બે સપ્તાહની અંદરમાં આ બંગલા ખાલી કરાવવાનો આદેશ આપતા કહ્યું કે કબજેદારો પાસેથી બાકી ભાડું પણ વસૂલવામાં આવે. સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, જો કોઈ અધિકારી કે સાંસદ બંગલા ખાલી કરવાની મનાઈ કરે તો 2 સપ્તાહમાં તેમનો સામાન રસ્તા પર મૂકી દેવામાં આવે.
ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ સી હરિ શંકરે કહ્યું કે, સરકાર આ લોકો પાસેથી બાકી ભાડું વસૂલ કરે અને અત્યાર સુધી રિકવરી શરું નહીં કરવા મામલે પણ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી. આમાંથી ઘણા એવા અધિકારીઓ કે સાંસદો છે જેઓ છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી ગેરકાયદે રીતે સરકારી બંગલા પર કબ્જો જમાવી રાખ્યો છે તેમના પર 95 લાખ રૂપિયાથી પણ વધુનું બાકી લેણું છે.
કોર્ટે શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયને કહ્યું કે, જો કોઈ સરકારી આવાસમાં વધુ સમય સુધી રહ્યું હોય તો તેને ખાલી કરાવવા માટે અત્યાર સુધી નોટિસ કેમ મોકલવામાં નથી આવી? અંદાજે 600 બંગલાઓ ખાલી કરાવવામાં નથી આવ્યા. કોર્ટે કરદાતાઓના નાણાનો વેડફાળ થતો હોવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો કોઈ પોતાની જાતે સરકારી આવાસ ખાલી ન કરે તો બે સપ્તાહમાં તેમની તમામ સામાન રસ્તા પર રાખી દો. કોર્ટે કહ્યું કે, કરદાતાઓના નાણાથી તમે આ લોકોને વર્ષોથી ફ્રીમાં ઘર, વિજળી, અને પાણી આપી રહ્યા છો. અમુક કિસ્સામાં તો સાંસદ કે અધિકારીનું મૃત્યું થઈ ગયું છે અને તેમના વારસદારો આ બંગલાઓમાં રહે છે. કોર્ટે આને મંત્રાલયની અક્ષમતા ગણાવી. કોર્ટે એમ પણ કહ્યું કે, તમારા અધિકારીઓ સામે તમારું નરમ વલણ મિલીભગત તરફ ઈશારો કરે છે અને લાંબા સમય સુધી મિલીભગત આઈપીસી હેઠળ ષડયંત્ર સમાન ગણાય.
હાઈકોર્ટનો આ નિર્દેશ મંત્રાલયના એક એફિડેવિટ પર આવ્યું જેમાં કહેવામાં આવ્યું કે, 11 સરકારી બંગલાઓ પર પૂર્વ સાંસદોનો કબ્જો છે, જેના ભાડા પેટે 35 લાખ રૂપિયા વસૂલવાના બાકી છે, જ્યારે 565 બંગલાઓ પર નિવૃત અધિકારીઓ રહે છે.