અનુરાગ ઠાકુરના ગોળી મારવા વાળા નિવેદન પર દિલ્હીના ચૂંટણી અધિકારીએ માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા બાદ હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે આ મામલે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ રિપોર્ટ માંગ્યો છે. રિઠાલાથી ભાજપના ઉમેદવાર મનીષ ચોધરીના સમર્થનમાં એક જાહેરસભાને સંબોધન કરતા અનુરાગ ઠાકુરે ચૂંટણી રેલીમાં ગદ્દારોને ગોળી મારવા વાળું નિવેદન આપ્યું છે. રેલીમાં તેમણે કહ્યું કે, દેશના ગદ્દારોને ગોળી મારો.

રિઠાલાથી ભાજપના ઉમેદવાર મનીષ ચોધરીને ગિરિરાજ સિંહના નજીકના માનવામાં આવે છે. ત્યારે લોકો સાથે વિવાદિત નારા લગાવડાવ્યા બાદ અનુરાગ ઠાકુર નિશાને આવી ગયા છે. વરિષ્ઠ વકીલ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા પ્રશાંત ભૂષણે કહ્યું કે, કોઈ આવા વ્યક્તિને મંત્રી મંડળમાં નહી પરંતુ જેલમાં હોવું જોઈએ. ભાજપને કેબિનેટમાં આ પ્રકારના લોકો જ મળે છે.

ભાજપ પર હુમલો કરતા દિલ્હી કોંગ્રેસની પ્રચાર સમિતિના પ્રમુખ કીર્તિ આઝાદે કહ્યું કે, ભગવા દળના નેતા ગદ્દાર છે જે શાંતિ અને સ્થિરતા બગાડવા માટે કરી રહ્યા છે. આ વિવાદિત નારો કપિલ મિશ્રા જેલા ભાજપના નેતા લગાવતા રહ્યા છે, પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે કેન્દ્રીય મંત્રી સ્તરના પાર્ટીના નેતા આમાં જોડાયા છે.