દિલ્હીઃ સ્વાતિ માલીવાલ અને નવીન જયહિંદના છુટાછેડા

નવી દિલ્હીઃ દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને તેમના પતિ નવીન જયહિંદના આખરે છુટ્ટાછેડા થયા છે. માલીવાલે પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ઘણીવાર સારા લોકો સાથે રહી શકતા નથી. હું તેમને હંમેશા મિસ કરીશ. નવીન જયહિંદ આમ આદમી પાર્ટીના હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ છે. સ્વાતી માલીવાલે ટ્વીટમાં કહ્યું કે, સૌથી દુઃખદ ક્ષણ ત્યારે હોય છે કે, જ્યારે તમારી સુખદ સ્ટોરીનો એન્ડ આવી જાય છે. મારી સ્ટોરીનો એન્ડ આવી ગયો છે. મારા અને નવીનના છુટ્ટાછેડા થઈ ગયા છે. અમે લોકો સાથે જે અમારું જીવન વિતાવી શકતા હતા તેને હું હંમેશા મિસ કરીશ.

ઉલ્લેખનીય છે કે, મહિલાઓના અધિકારોને લઈને સ્વાતિ માલીવાલ ખૂબ સક્રિય રહે છે. તાજેતરમાં તે બળાત્કારીઓને છ મહિનામાં ફાંસીની માંગ સાથે અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેસી હતી. આ દરમિયાન તેમની તબિયત ખરાબ થતા તે બેભાન થઈ ગઈ હતી. આ મામલે નવીન જયહિંદે ટ્વીટ કરતા લખ્યું હતું કે, સ્વાતિ સાચી મર્દાની છે. સૂતેલા લોકોને જગાડી શકાય છે પરંતુ તે મડદાઓને જગાડવા ચાલી છે કે જેઓ ક્યારેય ન જાગે. આ જંગલમાં જીવતા રહીને સંઘર્ષ કરી શકાય પરંતુ મરીને આ યુદ્ધ ન લડી શકાય. રેપિસ્ટોને ફાંસી માટે 13 દિવસથી તે હડતાળ પર છે.