હૈદરાબાદઃ ગઈ કાલે બપોરે આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના સમુદ્રકાંઠા પર ત્રાટકેલા ચક્રવાતી વાવાઝોડા ‘મિચૌંગ’નું જોર રાજ્યના મધ્યભાગના કાંઠાળ વિસ્તાર પરના આકાશમાં નબળું પડી ગયું છે અને વાવાઝોડું હવાના ઘેરા દબાણમાં ફેરવાઈ ગયું છે. એ હવે વધુને વધુ નબળું પડતું રહેશે, પરંતુ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના રહેશે, એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે.
તામિલનાડુમાં 18નાં મરણ
મિચૌંગ વાવાઝોડાને કારણે પડોશના તામિલનાડુ રાજ્યમાં ઘણો વિનાશ થયો છે. ત્યાં રાજધાની શહેર ચેન્નાઈ સહિતના વિસ્તારોમાં પૂર આવ્યું હતું અને વાવાઝોડાને લગતા જુદા જુદા બનાવોમાં 18 વ્યક્તિનાં જાન ગયા છે.
