નવી દિલ્હી– વિધાનસભા હોય કે લોકસભા, ચૂંટણી લડવા માટે ભરપુર નાણાંની જરૂર પડે છે. હવે આ નાણાં કાં તો પાર્ટીઓ કોઈ પણ ઉમેદવારને આપી શકે છે, અથવા તો ઉમેદવાર તેમના ખીસ્સાના પૈસે ચૂંટણી લડી શકે છે. અહીં સવાલ એ છે કે, જેમની પાસે ખર્ચ કરવા માટે નાણાં નથી શું તેઓ પણ ચૂંટણી લડી શકે છે? દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રાઉડફંડિંગનો નવો ટ્રેન્ડ ઘણો પ્રચલિત થઈ રહ્યો છે. બિહારના બેગૂસરાયથી CPI ઉમેદવાર કેન્હૈયા કુમાર પણ ક્રાઉડફંડિંગની મદદથી ચૂંટણી લડી રહ્યા છે. કન્હૈયા કુમારે ક્રાઉડફંડિંગ દ્વારા 3 દિવસમાં 30 લાખ રૂપિયા એક્ઠા કરી લીધા છે. 26 માર્ચે કન્હૈયા કુમારે સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી હતી કે, મારે બેગુસરાયથી 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે ફંડની જરૂર છે. ત્યારબાદ 28 માર્ચ સુધીમાં કન્હૈયા કુમારને લગભગ 30 લાખ રૂપિયા મળી ચૂક્યા છે.
શું છે ક્રાઉડફંડિંગ?
ક્રાઉડફંડિંગ શિક્ષણ, સ્વાસ્થ્ય, ધાર્મિક અને રાજકીય કામો માટે લોકો પાસેથી નાણાં એકત્ર કરવાની રીતે છે. જેના માટે ઓનલાઈન પ્લેટફોર્મ અથવા સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ફંડ મેળવનાર વ્યક્તિએ લોકોને જણાવવું પડે છે કે, તેને કયા કારણ માટે ફંડની જરૂર છે. યોગ્ય કારણ હોય તો લોકો છૂટા હાથે ફંડ આપે છે. ક્રાઉડફંડિંગમાં લોકોને કહેવામાં આવે છે કે, જો તેમને કોઈ પણ આર્થીક મદદ કરવી હોય તો, ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મદદ કરી શકે છે. જોકે, ક્રાઉડફંડિંગના તેમના નિયમો છે, અને સેબી તેના પર એડવાઈઝરી જાહેર કરે છે. આ સાથે જ આરબીઆઈ પણ ક્રાઉડફંડિંગ પર નજર રાખે છે.
આ વેબસાઈટ પરથી નાણાં મેળવી રહ્યો છે કનૈયા કુમાર
ક્રાઉડફંડિંગ માટે કનૈયા કુમાર ourdemocracy.in નામની એક વેબસાઈટની મદદ મેળવી રહ્યો છે. જોકે, વેબસાઈટ હાલ બંધ કરી દેવામાં આવી છે. કનૈયા કુમારે આરોપ લગાવ્યો છે કે, તેમની વેબસાઈટ પર ષડયંત્ર હેઠળ સાયબર એટેક કરવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને લોકોને કહ્યું કે, વેબસાઈટ જલ્દી શરુ કરવામાં આવશે.
દેશમાં ક્રાઉડફંડિંગને સૌથી સફળ ઉપયોગ આમ આદમી પાર્ટીએ કર્યો હતો. આપે 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ક્રાઉડફંડિંગનો જોરદાર ઉપયોગ કર્યો હતો. પાર્ટી ક્રાઉડફંડિંગ માટે સતત ઝૂંબેશ ચલાવતી રહી છે, જેમાં 100 રૂપિયાથી લઈને વધુમાં વધુ ગમે તેટલી રકમ દાન કરી શકો છો.
ઈન્ટરનેટના યુગમાં હવે ફંડની ઓનલાઈન આગાહી થઈ રહી છે. ભાજપથી લઈને તમામ અન્ય પાર્ટીઓ ફંડિંગ માટે તેમની વેબસાઈટ અને એપ પર જ ડોનેટ વિકલ્પ આપવામાં આવ્યો છે. હવે રાજકીય ફંડ મેળવવા મામલે બીજેપી સૌથી આગળ છે.