જમ્મૂ-કાશ્મીરના બનિહાલ ટનલ પાસે કારમાં બ્લાસ્ટ….

જમ્મૂ-કાશ્મીરઃ શ્રીનગર-જમ્મૂ હાઈવે પર બનિહાલ પાસે એક કારમાં વિસ્ફોટ થયો છે. સદનસીબે વિસ્ફોટમાં કોઈ જાનહાનીના સમાચારો પ્રાપ્ત થયા નથી. વિસ્ફોટ એક સેન્ટ્રો કારમાં થયો છે, તેની પાસેથી જ સુરક્ષા દળોનો કાફલો પણ પસાર થઈ રહ્યો હતો. સીઆરપીએફ સુત્રોનું કહેવું છે કે આ આતંકી હુમલો નથી લાગી રહ્યો. ત્યારે અત્યારે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શરુઆતી તપાસમાં કારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હોય, તેવું લાગી રહ્યું છે. આ વિસ્ફોટમાં કારના આખી લોસ્ટ થઈ ગઈ છે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે સમગ્ર ઘટના બાદ ડ્રાઈવર ગાયબ થઈ ગયો છે. સીઆરપીએફનો કાફલો કારથી ખૂબ દૂર હતો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે દૂર હોવા છતા સીઆરપીએફની એક બસને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. આ વિસ્ફોટમાં સીઆરપીએફના કોઈ જવાન કે સામાન્ય નાગરીકને કોઈ જ હાની પહોંચી નથી. અત્યારે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આરડીએક્સથી ભરેલી એક કારને સીઆરપીએફના કાફલા સાથે અથડાવવામાં આવી હતી. આ આતંકી હુમલામાં 40 સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ગૃહ મંત્રાલય દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. આ અંતર્ગત જ્યારે સુરક્ષા દળોનો કાફલો હાઈવે પરથી પસાર થશે ત્યારે અન્ય લોકો માટે ત્યાંથી આવન-જાવન બંધ કરી દેવામાં આવશે.