SC: ચૂંટણી આયોગને અવમાનના નોટિસ, ક્યાં છે અપરાધી ઉમેદવારોનો રેકોર્ડ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચૂંટણી આયોગને અવમાનના નોટિસ જાહેર કરીને આવતા સપ્તાહે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરીને ચૂંટણી આયોગને પૂછ્યું છે કે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોના અપરાધિક રેકોર્ડ ક્યાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ચૂંટણી આયોગને આદેશ આપતા કહ્યું હતું કે આ તેમની જવાબદારી છે કે ચૂંટણીમાં ઉભા રહેનારા ઉમેદવારો નામાંકન બાદ પોતાના અપરાધિક રેકોર્ડને અખબારો અને મીડિયામાં પ્રકાશિત કરાવે, જેથી લોકોને ઉમેદવારના અપરાધિક ઈતિહાસ મામલે જાણકારી પ્રાપ્ત થઈ શકે.  હવે ભાજપા નેતા અશ્વિની ઉપાધ્યાયે એક અરજી દાખલ કરીને કહ્યું છે કે ચૂંટણી આયોગ સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરવામાં નાકામ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે એક મહત્વપૂર્ણ મામલો છે.

આપને જણાવી દઈએ કે રાજનીતિમાં વધી રહેલા અપરાધીકરણના મુદ્દા પર દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતા ગત વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજનીતિમાં વધી રહેલા અપરાધીકરણને રોકવામાં પોતાની અસમર્થતા વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજનૈતિક પાર્ટીઓ જ આ સંબંધમાં કાયદો બનાવી શકે છે. પરંતુ કોર્ટે દેશમાં મતદાતાઓના અધિકારો માટે ચૂંટણી આયોગને નિર્દેશ આપ્યો કે ચૂંટણી લડનારા ઉમેદવાર નામાંકન દરમિયાન મોટા અક્ષરોમાં પોતાના અપરાધિક મામલાઓની જાણકારી આપે. સાથે જ કોર્ટે રાજનૈતિક પાર્ટીઓને પણ પોતાના ઉમેદવારોને અપરાધની માહિતી સાર્વજનિક કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ઉમેદવાર ચૂંટણીમાં નામાંકન બાદ પોતાના અપરાધિક રેકોર્ડને સ્થાનિક સમાચાર પત્રો અને ટીવી ચેનલો પર ઓછામાં ઓછા 3 વાર પ્રકાશિત કરાવે, જેથી મતદાતાઓને ઉમેદવાર મામલે પૂર્ણતઃ જાણકારી પ્રાપ્ત થઈ શકે. કોર્ટે આદેશને લાગૂ કરવાની જવાબદારી ચૂંટણી આયોગને સોંપી હતી.

હવે જસ્ટિસ રોહિંટન ફલી નરીમન અને જસ્ટિસ વિનીત સરનની બેંચે ચૂંટણી આયોગને નોટિસ જાહેર કરીને આ મુદ્દે જવાબ માંગ્યો છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસ બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી 7 ચરણોમાં યોજાશે. આ ચૂંટણી 11 એપ્રીલથી શરુ થઈને 19 મે સુધી થશે. તો ચૂંટણીના પરિણામો 23 મે ના રોજ જાહેર થશે.