નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ની રસી લેવી ફરજિયાત નહીં, પરંતુ સ્વૈચ્છિક હશે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે. સાથોસાથ, તેણે ભારપૂર્વક કહ્યું છે કે અન્ય દેશોમાં બનાવાયેલી કોઈ પણ રસી જેટલી જ અસરકારક રસી ભારતમાં આપવામાં આવશે.
મંત્રાલયે વધુમાં કહ્યું છે કે કોવિડ-19 રસીનો ડોઝ લેવાનું કોઈ પણ વ્યક્તિની ઈચ્છા અનુસાર હશે. અગાઉ કોરોના થઈ ચૂક્યો હોય એવી વ્યક્તિ પણ કોરોનાની રસી મૂકાવી લે તે સલાહભર્યું હશે, કારણ કે તેનાથી આ બીમારી સામે એમની રોગપ્રતિકારક શક્તિ વધારે સક્ષમ બનશે. રસીનો બીજો ડોઝ લીધાના બે સપ્તાહ બાદ શરીરમાં એન્ટીબોડીનું સુરક્ષાત્મક સ્તર તૈયાર થાય છે. ભારતમાં છ કોરોના-રસી તૈયાર થઈ રહી છે. તે પરીક્ષણના અલગ-અલગ તબક્કામાં છે.