કોરોના રસીથી નપુંસકતા આવતી નથીઃ આરોગ્યપ્રધાનની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ 16 જાન્યુઆરીના શનિવારથી દેશવ્યાપી કોરોના રસીકરણ ઝુંબેશ શરૂ થવાની છે તે પૂર્વે રસીને લગતી અમુક અફવાઓ અને ભ્રમણાનું કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને ખંડન કર્યું છે અને સ્પષ્ટતા કરી છે. અમુક દિવસો પહેલાં એવી અફવા ઊડી હતી કે કોરોના રસી લીધા બાદ પુરુષો અને સ્ત્રીઓમાં નપુંસકતા આવી જશે. ડો. હર્ષવર્ધને ટ્વિટર મારફત સ્પષ્ટતા કરી છે કે હજી સુધી એવો કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી જેમાં એવું માલૂમ પડ્યું હોય કે કોરોના વેક્સિન લેવાથી મહિલાઓ કે પુરુષોમાં નપુંસકતા આવી શકે છે. આ પ્રકારની કોઈ પણ અફવા પર લોકોએ ધ્યાન આપવું નહીં અને માત્ર સત્તાવાર સ્રોતો પર જ વિશ્વાસ કરવો.

ડો. હર્ષવર્ધને આ ખુલાસાની સાથે એક ગ્રાફિક પણ શેર કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે કોવિડ-19 રસી લીધા બાદ હળવો તાવ આવવા જેવી, ઈન્જેક્શન લીધાની જગ્યાએ સહેજ દુખાવો થવો અને શરીરમાં કળતર જેવી અમુક આડઅસરો થઈ શકે છે, પણ એને કોરોનાનો ચેપ લાગ્યો છે એવું સમજી લેવું નહીં. આ આડઅસરો પણ કામચલાઉ જ હોઈ શકે છે. અન્ય રસીઓ લેતી વખતે પણ આવું થતું હોય છે. ડો. હર્ષવર્ધને નકલી CoWIN એપ્સ ડાઉનલોડ કરવા સામે પણ લોકોને ચેતવ્યા છે. CoWIN એપમાં હજી સુધી સેલ્ફ-રજિસ્ટ્રેશન મોડ્યુલ રિલીઝ કરાયું નથી.