નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો આવતા સપ્ટેંબરના મધ્યમાં અંત પામે એવો દાવો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના બે પબ્લિક હેલ્થ એક્સપર્ટે કર્યો છે. આ બંને નિષ્ણાતે એમના અનુમાન માટે ગણિતના મોડલ-આધારિત એક વિશ્લેષણનો ઉપયોગ કર્યો છે.
આ વિશ્લેષણમાં એવું દર્શાવાયું છે કે કોરોના ચેપનું ગુણાંકન 100 ટકા સુધી પહોંચી જશે ત્યારે આ રોગ ભારતમાં નષ્ટ થશે.
આ એનાલિસિસ આરોગ્ય મંત્રાલય અંતર્ગતના DGHSના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ (પબ્લિક હેલ્થ) ડો. અનિલ કુમાર અને DGHSના ડેપ્યૂટી આસિસ્ટન્ટ ડાયરેક્ટર (લેપ્રસી) રૂપાલી રોયે તૈયાર કરી છે અને એને ઓનલાઈન સામયિક એપિડેમિઓલોજી ઈન્ટરનેશનલમાં પ્રકાશિત કરવામાં આવી છે.
ભારતમાં શનિવારે એક જ દિવસમાં કોરોના વાઈરસના નવા 9,887 કેસ નોંધાયા હતા અને મરણાંક વધીને 6,642 પર પહોંચ્યો હતો.
એમણે આ એનાલિસિસ તૈયાર કરવા માટે બેઈલીના મેથેમેટિકલ મોડલનો ઉપયોગ કર્યો છે.
દેશભરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 61 હજારથી વધારે નવા દર્દીઓ નોંધાયા છે. આ પરિસ્થિતિ હોવા છતાં સપ્ટેંબર સુધીમાં ભારત કોરોના-મુક્ત થઈ જશે એવો દાવો બંને હેલ્થ નિષ્ણાતોએ કર્યો છે.
ભારતમાં કોરોનાનો ચેપ લાગવાની શરૂઆત ગઈ 2 માર્ચથી થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ રોગના દર્દીઓની સંખ્યા સતત વધતી જ રહી છે. એ સંદર્ભમાં, કુલ કોરોનાગ્રસ્તો, આ બીમારીથી સાજા થયેલા લોકોની સંખ્યા અને મૃત્યુ પામેલાઓની સંખ્યાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ આંકડાને બેઈલીઝ રિલેટિવ રિમૂવલ રેટ પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.