નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દિલ્હી-મેરઠ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટના મામલે દિલ્હી સરકારથી ખફા છે. કોર્ટે દિલ્હી સરકારને એક સપ્તાહની અંદર રૂ. 415 કરોડ આપવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. કોર્ટે એ પણ આદેશ આપ્યો હતો કે જો ફંડ ચૂકવવાના નહીં આવે તો દિલ્હી સરકારના જાહેરાતના બજેટને અટકાવવામાં આવશે અને એ ફંડમાંથી ફન્ડિંગ આપવામાં આવશે. કોર્ટે એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ મામલાની આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે.
કોર્ટે 24 જુલાઈએ રૂ. 415 કરોડ ના આપવા પર દિલ્હી સરકારને ઠમઠોરતાં કહ્યું હતું કે જો આ રકમ નહીં આપવામાં આવે તો અમે દિલ્હી સરકારના જાહેરાત બજેટ પર પ્રતિબંધ લગાવીને જપ્ત કરી લઈશું. કોર્ટે કહ્યું હતું કે પ્રદૂષણને રોકવા માટેના પ્રોજેક્ટ્સ પણ જરૂરી છે. છેલ્લા ત્રણ વર્ષનું દિલ્હી સરકારનું જાહેરાતનું બજેટ રૂ. 1100 કરોડ હતું. જ્યારે આ વર્ષે બજેટ રૂ. 550 કરોડ છે. 24 જુલાઈએ કોર્ટે કહ્યું હતું કે જો દિલ્હી સરકાર ત્રણ વર્ષોમાં જાહેરાત માટે રૂ. 1100 કરોડની ફાળવણી કરી શકે છે તો પાયાના પ્રોજેક્ટો માટે ફંડ જરૂરી છે.
કોર્ટે અલ્ટિમેટમ આપતાં કહ્યું હતું કે પ્રોજેક્ટ માટે ચુકવણી કરો અથવા કોર્ટ ફંડને જપ્ત કરશે. કોર્ટની ફટકાર અને ચેતવણી પછી દિલ્હી સરકાર બે મહિનામાં રૂ. 415 કરોડનાં બાકી લેણાં આપવા રાજી થઈ હતી. કોર્ટે દિલ્હી સરકારને પાછલાં ત્રણ વર્ષોમાં જાહેરાત પર કરેલા ખર્ચની વિગતો માગી હતી. કેજરીવાલ સરકારે કોર્ટમાં પ્રોજેક્ટ માટે ફંડ ના હોવાની રજૂઆત કરી હતી. કોર્ટે આ મહિનાના પ્રારંભે પ્રોજેક્ટ માટે ફંડમાં વિલંબ માટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી.