મોદીએ કોરોના-રસીનો બીજો ડોઝ લીધો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાઈરસ રોગચાળા સામે રક્ષણ આપતી કોવેક્સીન રસીનો આજે સવારે પોતાનો બીજો અને આખરી ડોઝ લીધો હતો. તેમણે અત્રેની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એમ્સ) હોસ્પિટલમાં જઈને રસીનો બીજો ડોઝ લીધો હતો. જે બે નર્સે મોદીને રસી આપી હતી એમનાં નામ છેઃ પી. નિવેદા (પુડુચેરી) અને નિશા શર્મા (પંજાબ). વડા પ્રધાને રસીનો પહેલો ડોઝ ગઈ 1 માર્ચે લીધો હતો. વડા પ્રધાને રસીકરણની દેશવ્યાપી ઝુંબેશનો ગઈ 16 જાન્યુઆરીએ આરંભ કરાવ્યો હતો.

દરમિયાન, ગઈ કાલે ભારતમાં કોરોનાના નવા 1.15 લાખ કેસ નોંધાયા હતા. આમાં, મહારાષ્ટ્રમાં 60,000 જેટલા કેસનો સમાવેશ થાય છે. મુંબઈ શહેરમાં ગઈ કાલે નવા 10,000થી વધારે કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોરોના-રસીની તંગી હોવાથી સપ્લાય વધારવા માટે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનને પત્ર લખ્યો હતો, પરંતુ ડો. હર્ષવર્ધને SOS પત્ર લખવા બદલ મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી છે અને મહારાષ્ટ્રમાં કોરોના રસીની તંગી દર્શાવતા આક્ષેપોને સદંતર પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું કે મહારાષ્ટ્ર સરકારના સુસ્ત અને બેદરકારીભર્યા વલણને કારણે વાઈરસનો સામનો કરવા માટે સમગ્ર દેશના પ્રયાસો ધીમા પડી ગયા છે.