નવી દિલ્હીઃ કોરોના વાયરસને હરાવવાનો એક માહોલ અત્યારે દેશમાં જામ્યો છે જેમાં લોકો ખાસ રીતે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. કોરોના સામેના આ યુદ્ધમાં સૌથી મહત્વની ભૂમિકા ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફની છે કે જે ફ્રન્ટલાઈનમાં ઉભા રહીને આ જીવલેણ બીમારી સામે લોકોને બચાવવાના કામમાં જોડાયેલા છે. આવા કર્મવીરોના ચારેયબાજુ વખાણ થઈ રહ્યા છે અને સાથે જ તેમને આ કામમાં સહાયતા આપવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. આવો જ એક પ્રયત્ન બોલીવુડ એક્ટર સોનૂ સુદે કર્યો છે.
સોનુએ ડોક્ટર્સ, નર્સીઝ અને બીજા મેડિકલ સ્ટાફ માટે પોતાની મુંબઈ સ્થિત એક હોટલની ઓફર કરી છે. સોનુની આ હોટલ મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં છે કે જે બોલીવુડ સેલિબ્રિટીઝ માટે જાણિતા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સોનુએ કહ્યું કે, હું આપણા ડોક્ટર્સ, નર્સીઝ અને પેરા-મેડિકલ સ્ટાફ માટે કંઈક કરી શકીશ તો તે સન્માનની વાત છે. લોકોના જીવ બચાવવા માટે આ લોકો દિવસ રાત કામ કરી રહ્યા છે. આ લોકો મુંબઈના વિભિન્ન વિસ્તારોમાંથી આવે છે અને આરામ કરવા માટે તેમને જગ્યા જોઈતી હોય છે. અમે મ્યૂનિસિપલ અને પ્રાઈવેટ હોસ્પિટલો સાથે સંપર્ક કરીને આની ફેસેલિટી માટે જણાવ્યું છે.
આ પહેલા શાહરુખ ખાને પોતાની ઓફિસ ક્વોરન્ટાઈન ફેસિલિટી બનાવવા માટે બીએમસીને આપવા માટે રજૂઆત કરી હતી. આના માટે બીએમસીએ શાહરુખ ખાનને ધન્યવાદ પણ કહ્યા હતા. આ આઈસોલેશન ફેસિલિટીમાં સ્ત્રીઓ, બાળકો અને વડીલોને રાખવામાં આવશે.
એક્ટર અને બિઝનેસમેન સચિન જોશીએ પોતાની પવઈ સ્થિત હોટલ કોવિડ-19 ના દર્દીઓ માટે આપી છે. આ હોટલમાં 36 જેટલા રુમ છે. આના માટે બીએમસીએ સચિનનો સંપર્ક કર્યો હતો અને તેમણે તરત જ હા પાડી દીધી હતી. કોરોના વાયરસને કાબૂમાં કરવા માટે દેશમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોને કામ વગર બહાર ન નિકળવાની પણ સલાહ આપી છે.