નવી દિલ્હીઃ મોદી સરકારે કોરોના-લોકડાઉન દરમિયાન કર્મચારીઓને આખા મહિનાનો પગાર આપવાની માલિકોને સૂચના આપતો પોતાનો નિર્દેશ પાછો ખેંચી લીધો છે. એટલે હવે કંપનીઓ-માલિકો કર્મચારીઓને લોકડાઉન દરમિયાન આખો પગાર આપવા માટે બંધાયેલી નથી. આ પગલાથી કંપનીઓ અને ઉદ્યોગજગતને રાહત મળી છે. પરંતુ કર્મચારીઓને આંચકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગૃહ સચિવ અજય ભલ્લાએ લોકડાઉન લગાવવામાં આવ્યા બાદ થોડા દિવસ બાદ 29 માર્ચના રોજ જાહેર કરેલા દિશા-નિર્દેશમાં તમામ કંપનીઓને કહ્યું હતું કે, કંપની બંધ રહેવાની સ્થિતિમાં પણ મહિનો પૂરો થવા પર તમામ કર્મચારીઓને આખો પગાર ચૂકવવો પડશે.
કોવિડ-19 મહામારીને રોકવા માટે દેશભરમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ છે. 18 મેથી લોકડાઉનનું ચોથું ચરણ લાગુ થઈ ચૂક્યું છે. ગૃહ મંત્રાલયે એવો આદેશ આપ્યો કે લોકડાઉન દરમિયાન ભાડું ન આપી શકનારા વિદ્યાર્થીઓને કે પ્રવાસી કામદારોને મકાન ખાલી કરવા માટે દબાણ કરી રહ્યા હોય એવા મકાન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું હતું કે, સરકાર લોકડાઉન દરમિયાન આખો પગાર ન આપી શકનારી કંપનીઓ પર કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી ન કરે. કર્ણાટકની કંપની ફિક્સ પેક્સ પાઈવેટ લિમિટેડે સરકારના આ આદેશને પડકાર્યો હતો, આ મામલે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.