કોરોનાના 18,653 નવા કેસ, 507નાં મોત

નવી દિલ્હીઃ દેશ આજથી અનલોક 2ના તબક્કામાં પ્રવેશી રહ્યો છે, ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,653 નવા કેસ સામે આવ્યા છે અને 507 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત સાતમા દિવસે કોવિડ-19ના 15,000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 5,85,493 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 17,400 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,47,978 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,20,114એ પહોંચી છે. રિકવરી રેટ 59.43 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં 29 જૂન સુધી 86 લાખ લોકોના ટેસ્ટ કરાયા

દેશમાં 29 જૂન સુધી કુલ 86,08,654 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 2,10,292 લોકોના ટેસ્ટ સોમવારે કરવામાં આવ્યા છે.

વિશ્વમાં કોરોનાથી 1.01 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,10,632 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 10,185,374 પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.