જમ્મુઃ શહેરના કુંજવાની વિસ્તારમાંથી કેટલાક દિવસો પહેલાં ધરપકડ કરવામાં આવેલા જૈશ-એ-મુસ્તફા કમાન્ડર હિદાયતુલ્લા મલિકે તપાસમાં મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું હતું કે તેના નિશાન પર નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (NSA)ના અજિત ડોવાલ હતા. તે આ મિશનને પૂરું કરવા લર્ષ 2019માં દિલ્હી આવ્યો હતો. તેણે NSA અને CISFની ઓફિસની રેકી કરી હતી. તેને પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ તરફથી તેને સરદાર પટેલ ભવન અને રાજધાનીના મહત્ત્વનાં સ્તાનો પર રેકી કરવાનો નિર્દેશ મળ્યો હતો, જે પછી તેણે એની આ જગ્યાઓની વિડિયોગ્રાફી કરી હતી અને પાકિસ્તાનમાં તેના આકાઓને વોટ્સએપના માધ્યમથી મોકલી દીધી હતી.
આ ખુલાસા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. પકડાયેલો આતંકી બધું બોલી ગયો છે અને તે નાનોસૂનો આતંકવાદી નથી બલકે, જૈશના જ એક અન્ય સંગઠનનો વડો પણ છે. તેની આકરી પૂછપરછમાં તેણે પાકિસ્તાનની આ નાપાક યોજનાને ખુલ્લી પાડી દીધી હતી.
આ આતંકી જમ્મુ-કશ્મીરના શોપિયાનો રહેવાસી છે. છઠ્ઠી ફેબ્રુઆરીએ પોલીસે તેને પકડી લીધો હતો. જમ્મુ-કશ્મીરના પોલીસ સ્ટેશનોમાં તેની સામે કેસ પણ દાખલ થયા છે. પોલીસે અનંતનાગમાં જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રીઓ મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે ભારે ચોંકાવનારી કબુલાત કરી લીધી હતી અને ત્યારબાદ અજીત ડોભાલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.