નવી દિલ્હીઃ ભારત પ્રત્યક્ષ કરવેરામાં આમૂલ ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે, જેથી વડા પ્રધાન મોદી જો ફરી સત્તાની ધુરા સંભાળશે ત્યારે તેઓ આવકની અસમાનતાને ઓછી કરવા માટે કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરે એવી શક્યતા છે, જે આર્થિક અસમાનતા ઓછી કરવામાં મદદ કરી શકે, એમ આ બાબતના જાણકાર લોકોએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે નોંધપાત્ર આવક રળતા લોકો પર કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરવાનું વિચારાધીન છે. ઉદાહરણ તરીકે જે કરદાતાઓની આવક પર 30 ટકા કર લાગે છે તેવો વર્ગ ઈક્વિટી ફંડો અને શેરો પર નીચા દરે ટેક્સ ચૂકવે છે. જેથી કેપિટલ ગેઇન ટેક્સ વધારાય એવી શક્યતા છે.
જોકે આ પગલું વ્યવહારુ નથી અને ઈક્વિટીના સિદ્ધાંતની વિરુદ્ધ છે. નાણાં મંત્રાલય દ્વારા આ પ્રકારની દરખાસ્તો માટે એક પેનલની રચના કરવામાં આવે એવી શક્યતા છે, જેની ભલામણોને 2024ની ચૂંટણી પછી લાગુ કરવામાં આવશે- જોકે આ વિશે હજી સુધી અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો.
આપણા આવકવેરાના નિયમો ખાસ કરીને કેપિટલ ગેઇન્સની જોગવાઈઓ દાયકાઓથી આંટીઘૂંટીવાળી બની ગઈ છે, એને સરળ અને ન્યાયસંગત બનાવવાની જરૂર છે, જેથી એને લાગુ કરાતાં બધાને લાભ થાય, પરંતુ એ સરળ નહીં હોય, એમ પ્રાઇસ વોટરહાઉસ એન્ડ કંપની એલએલપીના ભાગીદાર રાહુલ ગર્ગે જણાવ્યું હતું.
કેઆર ચોકસી શેર્સ એન્ડ સિક્યોરિટીના મેનેજિંગ ડિરેક્ટર દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી દેશની આશરે 25 ટકા વસતિ ઈક્વિટીમાં રોકાણ નથી કરતી, ત્યાં સુધી ટેક્સ પોલિસીમાં છેડછાડ ના કરવી જોઈએ. હાલમાં એક અંદાજ પ્રમાણે દેશની માત્ર ત્રણ ટકા વસતિ શેરબજારમાં રોકાણ કરી રહી છે.
