નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડતના ભાગરૂપે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કામદારો લાંબા સમયથી જુદા જુદા રાજ્યોમાં અટવાયેલા હતા. હવે જ્યારે લગભગ એક મહિના પછી એમને તેમના ઘરે જવાની પરવાનગી મળી છે, ત્યારે કેન્દ્ર સરકારે રેલવે ભાડાનો તમામ ખર્ચ મજૂરો પાસેથી વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ અંગે રાજકીય આક્ષેપબાજી તીવ્ર બની છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ તે અંગે મોટો નિર્ણય લીધો છે કે તમામ જરૂરીયાતમંદ મજૂરોની રેલવે ટિકિટનો ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે.
સોમવારે આપેલા એક નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર ચાર કલાકની નોટિસ પર લોકડાઉન કરવામાં આવ્યું હોવાના કારણે દેશના કામદારો તેમના વતન ઘેર પાછા જવાથી વંચિત રહ્યા હતા. 1947 પછી, દેશમાં પ્રથમ વખત આવું દ્રશ્ય જોવા મળ્યું જ્યારે લાખો મજૂરો હજારો કિલોમીટર પગપાળા ચાલ્યા.
સોનિયા ગાંધીએ એક નિવેદનમાં કહ્યું છે કે, જ્યારે આપણે કોઈ ખર્ચ કર્યા વિના વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી શકીએ છીએ. ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી 100 કરોડ ખર્ચ કરી શકીએ છીએ. જો રેલવે મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે તો મુશ્કેલીના આ સમયમાં કામદારોનો ખર્ચ કેમ નથી ઉઠાવી શકતા?
ઉલ્લેખનીય છે કે, 24 માર્ચે જ્યારે લોકડાઉન અમલમાં આવ્યું ત્યારે લાખો કામદારો જ્યાં હતા ત્યાં જ અટવાઈ ગયા હતા. તે પછી હવે લગભગ 40 દિવસ પછી તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારોની વિનંતી પર કેન્દ્ર સરકારે આ માટે વિશેષ ટ્રેનો દોડાવવાની મંજૂરી આપી દીધી છે.
પરંતુ આ માટેની ટ્રેન ટિકિટોનું ભાડું રાજ્ય સરકારો ભોગવશે. જે આખરે કામદારો પાસેથી જ વસુલ કરવામાં આવે છે. રેલવે મંત્રાલયના આ નિર્ણયની આકરી ટીકા થઈ છે. માત્ર રાજકીય પક્ષોએ જ નહીં, રાજ્ય સરકારોએ પણ તેનો વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા ઉપર કેન્દ્રના નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી રહી છે.
સોનિયા ગાંધીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, જ્યારે આપણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પોતાનું કર્તવ્ય સમજીને પ્લેનમાં મફત પાછા લાવી શકીએ છીએ, જ્યારે આપણે ગુજરાતના માત્ર એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી 100 કરોડ રુપિયા ટ્રાન્સપોર્ટ અને ભોજન માટે ખર્ચ કરીએ છીએ, જ્યારે રેલ મંત્રાલય પીએમ કેર્સમાં 151 કરોડ રુપિયા આપી શકે છે તો પછી સંકટના આ સમયમાં નિઃશુલ્ક રેલવે યાત્રાની સુવિધા શા માટે ન આપી શકો?
સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું કે, કોંગ્રેસે મજૂરોને ફ્રીમાં રેલ યાત્રા કરવા દેવાની માંગને કેટલીયવાર ઉઠાવી, પરંતુ સરકાર અને રેલવે મંત્રાલય વાત સાંભળવા માટે તૈયાર નથી.
સોનિયા ગાંધીએ કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસ કમિટીની દરેક જગ્યાએ જરૂરિયાતમંદ શ્રમિકો અને કામદારોને એમના વતન ઘેર પાછા ફરવા માટે રેલયાત્રાની ટિકિટનો ખર્ચ ઉઠાવશે.
આ છે રેલવેની સ્પષ્ટતા…
આ મુદ્દે ભારતીય રેલવેએ એવી સ્પષ્ટતા કરી છે કે, નિર્દેશો અનુસાર રાજ્ય સરકાર જ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો ખર્ચ આપી રહી છે. અમે વગર ટિકિટે કોઈને યાત્રાની મંજૂરી ન આપી શકીએ. આ જ કારણ છે કે, આ સ્પેશિયલ ટ્રેનથી જનારા દરેક યાત્રીને ભારતીય રેલવે એક ટિકિટ ઈશ્યૂ કરી રહી છે.
સાથે જ ભારતીય રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે, યાત્રીઓ પાસેથી ટિકિટના પૈસા લેવાના છે કે નહી તે રાજ્ય સરકારો નક્કી કરશે. અમે કોઈપણ યાત્રી પાસેથી ભાડું લઈ રહ્યા નથી.