કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ઝેરથી કરી RSS-ભાજપની તુલના

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને RSSની તુલના ઝેરથી કરી હતી. તેમણે બંનેને રાજકીય રૂપે સૌથી ખતરનાક ગણાવ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરો થવાના ઠીક એક દિવસ પહેલાં સાંગલીમાં એક જનસભાને સંબોધિત કરતાં ઝેરીલા સાપને મારવાનું ઉદાહરણ આપ્યું હતું.

દેશમાં જો કોઈ રાજકીય રીતે સૌથી ખતરનાક છે તો તે ભાજપ-RSS છે. આ બંને ઝેર સમાન છે. જો કોઈ વ્યક્તિને સાપ કરડે તો તે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં ઝેરી સાપને મારી નાખવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું

સાંગલીમાં રવિવારે એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ-RSS વિશે એવી વાત કરી કે હંગામો થઈ ગયો. એટલું જ નહીં, ખડગેએ પીએમ મોદી માટે વાંધાજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.

PM મોદી પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે, આ દેશના PMને પસંદ કરવાની ચૂંટણી નથી, પરંતુ પીએમ મોદીની સત્તાની ભૂખ હજુ સંતોષાઈ નથી. હવે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર રાજકીય જંગ છેડાઈ ગયો છે.

ભાજપ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર કરનારા નેતાઓની સંખ્યા તેના ઉમેદવારોની સંખ્યા કરતાં વધારે છે. PM મોદી સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા મણિપુરની મુલાકાત ન લેતા વિદેશ યાત્રા કરવામાં વધુ વ્યસ્ત છે.