શ્રીનગરઃ ભાજપના કથિત ધાર્મિક નફરતવાળા રાજકારણ સામેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીએ શરૂ કરેલી ‘ભારત જોડો યાત્રા’ કશ્મીરમાં પહોંચી ગઈ છે. અનેક રાજ્યોનો પ્રવાસ કરીને પક્ષના સંસદસભ્ય રાહુલ ગાંધી તથા પક્ષના નેતાઓ, કાર્યકર્તાઓ, સમર્થકો પગપાળા શ્રીનગર પહોંચ્યા છે. આજે શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક ખાતે રાહુલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ સાથે જ 145 દિવસ સુધી ચાલેલી ‘ભારત જોડો યાત્રા’નું સમાપન થયું છે.
આ યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ 12 રાજ્યો તથા બે કેન્દ્રશાસિત પ્રદેશમાં 75 જિલ્લાઓમાં 3,570 કિલોમીટરનું અંતર કાપીને કશ્મીરમાં પહોંચી છે. આવતીકાલે શ્રીનગરના શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં વિશાળ જનસભા સાથે આ યાત્રાનું સમાપન થશે. રાહુલ ગાંધી આજે સવારે શ્રીનગરમાં પ્રવેશ્યા હતા. યાત્રા લાલ ચોક ખાતે આવી પહોંચી એ સાથે જ કાર્યકર્તાઓ, સમર્થકોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ત્યારબાદ રાહુલે લાલ ચોક ખાતે તિરંગો ફરકાવ્યો હતો. એ વખતે કોંગ્રેસના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.