EVM પર અબદુલ્લાના નિવેદન પર કોંગ્રેસ કર્યો પલટવાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબદુલ્લાએ હાલમાં કહ્યું હતું કે રાજકીય પક્ષ ચૂંટણી જીતવા પર EVMની પ્રશંસા ના કરી શકે અને હારવા પર એની ટીકા ના કરી શકે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જો તમને EVM પર વિશ્વાસ નથી તો તમે ચૂંટણી ના લડો. જે પછી કોંગ્રેસ સાંસદે ઉમર પર પલટવાર કરતાં કહ્યું હતું કે CM બન્યા પછી સહયોગીઓને લઈને આ વલણ કેમ?

કોંગ્રેસ સાસંદ મણિકમ ટેગોરે જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબદુલ્લા દ્વારા EVM પર કોંગ્રેસના વાંધાને ફગાવ્યા પછી તેમણે પલટવાર કરતાં કહ્યું હતું કે તેમણે તેમનાં તથ્યોની તપાસ કરવી જોઈએ. SP, NCP અને શિવસેના-UBTએ EVM વિરુદ્ધ નિવેદનો આપ્યાં છે.

આ પહેલાં કોંગ્રેસના સાથી NCએ કોંગ્રેસને EVMનાં રોદણાં બંધ કરી ચૂંટણીમાં પરાજય સ્વીકારી લેવાની સલાહ આપી છે. એટલું જ નહીં, સાથી પક્ષે કહ્યું કે જે પક્ષોને મતદાનના તંત્ર પર વિશ્વાસ ના હોય તેમણે ચૂંટણી લડવી જોઈએ નહીં. શું વિપક્ષ અને વિશેષરૂપે કોંગ્રેસનું ચૂંટણીમાં પરાજય માટે EVMને દોષિત ઠેરવવું અયોગ્ય છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તમને EVM અંગે સમસ્યા હોય તો તમારે દરેક ચૂંટણીમાં તેનાથી સમસ્યા હોવી જોઈએ. હકીકતમાં એક ચૂંટણીમાં મતદારો તમને પસંદ કરે છે. બીજી ચૂંટણીમાં નથી કરતા. હું પોતે લોકસભા ચૂંટણીમાં હારી ગયો હતો અને વિધાનસભા ચૂંટણીમાં જીતી ગયો. મારા પક્ષને બહુમતી મળી. બંને પરિણામો મેં સ્વીકાર્યાં અને ક્યારેય EVMને દોષ આપ્યો નથી. EVM મુદ્દે તેમની ટિપ્પણી ભાજપની લાઈનને અનુરૂપ છે તેવો સવાલ કરવામાં આવતાં ઉમર અબદુલ્લાએ કહ્યું હતું કે ના એવું નથી. જે સાચું છે તે સાચું છે. પક્ષની લાઈન ફોલો કરવાના બદલે તેઓ સત્યને સત્ય અને ખોટાને ખોટું કહેવાનું પસંદ કરે છે. ભાજપ પણ કહે છે કે વિપક્ષ જીતે તો EVMને બરાબર માને છે અને હારે તો દોષ આપે છે.