નવી દિલ્હીઃ આધારકાર્ડની જરુરિયાતને લઈને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. બેંક ખાતું ખોલાવવા માટે કે પછી સિમ કાર્ડ લેવા માટે ઓળખ અને સરનામાંના પ્રમાણ તરીકે આધાર કાર્ડ માટે દબાણ કરતી બેંકો, ટેલીકોમ કંપનીઓ અને અન્ય એજન્સીઓને એક કરોડ રુપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં સાથે 3થી 10 વર્ષની જેલ પણ થઈ શકે છે.
એટલે કે હવે તમે સિમ કાર્ડની ખરીદી વખતે કે, બેંકમાં ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડની જગ્યાએ પાસપોર્ટ, રેશન કાર્ડ અથવા અન્ય કોઈ પ્રમાણભૂત ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ સંસ્થા ફરજિયાત આધાર કાર્ડ માટે તમારા દબાણ નહીં કરી શકે.
સરકારના પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અને ભારતીય ટેલિગ્રાફ એક્ટમાં સંશોધન કરીને નિયમને જોડ્યો છે. સોમવારે કેન્દ્રીય કેબિનેટે તેના પર સંશોધનને મંજૂરી આપી હતી. સરકારી સૂત્રોનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટના હાલના આદેશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, યૂનિક આઈડીનો માત્ર વેલફેર સ્કિમ માટે જ ઉપયોગ કરી શકાય છે.
કાયદામાં થયેલા સંશોધન મુજબ આધાર ઓર્થેન્ટિકેશન કરનારી કોઈ સંસ્થા જો ડેટા લીક માટે જવાબદાર ઠરે તો તે સંસ્થાને 50 લાખ સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સંશોધનમાં હાલ સંસદની મંજૂરી મળવાની બાકી છે. જોકે, રાષ્ટ્ર હિતમાં આવી માહિતી આપી શકે છે.
કેન્દ્ર સરકારે આ નિર્ણયના કારણે હવે તમારે બેંકમાં ખાતું ખોલાવવા કે સિમ કાર્ડ લેવા માટે આધાર આપવાની જરુરી નહીં પડે. અત્યાર સુધી કંપનીઓ અને બેંકોએ તેને ફરજિયાત કર્યું હતું. આ રીતે તમને આધાર પર અધિકાર પણ મળ્યો છે કે તમે ઈચ્છો તો તેની માહિતી આપો અથવા ન આપો.