જમ્મુકશ્મીર: મુફ્તી સરકારે 4 હજાર પથ્થરબાજો પરથી કેસ પરત લેવા કર્યો આદેશ

શ્રીનગર- જમ્મુ કશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ રાજ્યના 4 હજારથી વધુ યુવાનો સામે ચાલી રહેલા કેસ પરત ખેંચવા નિર્દેશ આપ્યા છે. આપને જણાવી દઈએ કે, આ યુવાનો ઉપર વર્ષ 2014માં કશ્મીરમાં સેના પર પથ્થરબાજી કરવા અને પ્રદર્શન કરવાનો આરોપ છે.

ગત વર્ષે રાજ્ય સરકાર અને પ્રદેશના DGP એસ. પી. વૈદ્યના નેતૃત્વમાં બનાવવામાં આવેલી કમિટીની ભલામણ બાદ કશ્મીરી યુવાનો સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદો પાછી ખેંચવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.

એક અંગ્રેજી અખબાર સાથેની મુલાકાત દરમિયાન સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, અમે એક કમિટીની રચના કરી હતી, જે આ મામલા અંગે તપાસ કરી રહી હતી. રાજ્ય સરકારે અન્ય એક આદેશ જારી કરીને કમિટીને વર્ષ 2015થી 2017 દરમિયાન નોંધાયેલી ફરિયાદો પર 10 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જેના દ્વારા અમે રાજ્યના યુવાનોને તેમના જીવનના પુનનિર્માણ માટે મદદ કરી શકીએ છીએ. વધુમાં સીએમ મુફ્તીએ કહ્યું કે, અમે ગત વર્ષે હજારો યુવાનો પર નોંધવામાં આવેલી ફરિયાદને પરત ખેંચવા આદેશ આપ્યો છે. કમિટી દ્વારા રિપોર્ટ સોંપાયા બાદ 744 કેસમાં 4327 યુવાનો પર ચલાવવામાં આવતા કેસ પરત ખેંચવાને મંજૂરી આપવામાં આવી છે.