નવી દિલ્હીઃ ભારતને ટૂંક સમયમાં જ નવા ચીફ જસ્ટિસ મળશે. એમની નિમણૂક માટેની પ્રક્રિયા હાલના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એન.વી. રમનાએ શરૂ કરી દીધી છે. એમણે તેમના અનુગામી તરીકે ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કેન્દ્ર સરકારને કરી છે. જસ્ટિસ લલિત સૌથી સિનિયર જજ છે.
સીજેઆઈ રમનાએ એમના ભલામણ પત્રની કોપી ન્યાયમૂર્તિ લલિતને વ્યક્તિગત રીતે સુપરત કરી છે. જસ્ટિસ રમનાએ 2021ની 24 એપ્રિલે દેશના 48મા સીજેઆઈ તરીકે શપથ લીધા હતા. તેઓ ત્યારે જસ્ટિસ એસ.એ. બોબડેના અનુગામી બન્યા હતા. 16 મહિનાની મુદત પૂરી થયા બાદ જસ્ટિસ રમના 26 ઓગસ્ટે નિવૃત્ત થશે. ત્યારબાદ 27 ઓગસ્ટે જસ્ટિસ લલિતની દેશના ન્યાયતંત્રના વડા તરીકે નિમણૂક કરવામાં આવશે. એમની મુદત જોકે ત્રણ મહિના કરતાંય ઓછા સમયની રહેશે, કારણ કે તેઓ આ વર્ષની 8 નવેમ્બરે નિવૃત્ત થવાના છે.