નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દિલ્હીના જામિયામાં થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે એફઆઈઆરમાં જામિયાના ત્રણ વિદ્યાર્થીઓના નામ નોંધવામાં આવ્યા છે. રવિવારના રોજ થયેલી હિંસા મામલે પોલીસે દસ લોકોની ધરપકડ કરી છે. પ્રદર્શન હિંસક થયા બાદ દેશની કેટલીક યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે. ધરપકડ કરાયેલા તમામ લોકો અત્યારે ન્યાયિક કસ્ટડીમાં છે. ધરપકડ કરાયેલા લોકોમાં જામિયાનો એક પણ વિદ્યાર્થી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર એફઆઈઆરની કોપીમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ વીવાયએસએસના સભ્ય કાસિમ ઉસ્માની, ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ્સ એસોસિએશનના સભ્ય ચંદન કુમાર અને સ્ટૂડન્ટ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયાના સભ્ય આસિફ તન્હાનું નામ લખેલું છે. આ ત્રણેય જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ છે આ સીવાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ ખાનનું નામ પણ એફઆઈઆરમાં નોંધાયેલું છે. તો, ત્રણ અન્ય સ્થાનિક નેતા આશુ ખાન, મુસ્તફા અને હૈદરનું પણ નામ લખવામાં આવ્યું છે.
તો જામિયા મિલિયા ઈસ્લામિયાના કુલપતિ નઝમા અખ્તરે પરિસરમાં પોલીસ કાર્યવાહીના ઘટનાક્રમો મામલે વિસ્તારથી જણાવતા માનવ સંસાધન વિકાસ મંત્રાલયને એક રિપોર્ટ મોકલ્યો છે. જામિયા મિલિયા ઈસ્લામિયાના કુલપતિએ એચઆરડી મંત્રાલયને જણાવ્યું કે વિશ્વવિદ્યાલયની કાર્યકારી પરિષદે જામિયાના પુસ્તકાયલમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માંગ કરતા સોમવારના રોજ એક પ્રસ્તાવ પારિત કર્યો.
ઉલ્લેખનીય છે કે પોલીસ રવિવારના રોજ જામિયા અને એએમયૂના પરિસરોમાં ગઈ અને નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને કંટ્રોલ કરવા માટે બળ પ્રયોગ પણ કર્યો. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જામિયા અને એએમયૂને બાદ કરતા 42 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે અને પરિક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આયોજિત કરવામાં આવી રહી છે.