નવી દિલ્હી – ચર્ચાસ્પદ બની ગયેલા નાગરિકત્વ સુધારા ખરડાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે રાજ્યસભા ગૃહમાં રજૂ કરશે. બપોરે 12 વાગ્યે તેઓ ગૃહમાં એ રજૂ કરશે. ત્યારબાદ એની પર લગભગ છ-સાત કલાક સુધી ચર્ચા થશે અને અંતમાં મતદાન થશે.
આ ખરડાને લોકસભા ગૃહમાં 311-82 મતોના માર્જિનથી પાસ કરાવવામાં શાહ સફળ થયા છે. ત્યાં શાસક ભાજપની સ્પષ્ટ બહુમતી છે, પરંતુ રાજ્યસભામાં એની પાસે બહુમતી નથી.
તેમ છતાં રાજ્યસભામાં પણ આસાનીથી પાસ કરાવી શકવાની ભાજપને આશા છે.
રાજ્યસભામાં હાલ 238 સભ્યો છે. એમાં ભાજપના 83 સભ્યો છે. અન્ય સાથી પક્ષોના મળીને એનડીએ ગ્રુપની સભ્ય સંખ્યા 105 થવા જાય છે. ખરડો પાસ કરાવવા માટે 120નો આંકડો મેળવવો પડે. ભાજપને જેનો સાથ મળવાની ખાતરી છે એમાં જનતા દળ યુનાઈટેડના 6, શિરોમણી અકાલી દળના 3, એલજેપી અને આરપીઆઈ (આઠવલે)ના 1-1 તથા 11 નામાંકિત સંસદભ્યોનો સમાવેશ થાય છે.
ઓલ ઈન્ડિયા અન્નાદ્રમુક પાર્ટી સાથે પણ ભાજપની ચર્ચા ચાલે છે, જેના 11 સભ્યો છે. ભાજપ તે ઉપરાંત બિજુ જનતા દળ (7 સભ્યો), YSRCP (2), ટીડીપી (2) પાર્ટીઓ સાથે પણ ચર્ચા કરી રહી છે.
આ બીજા 22 સભ્યોના ટેકા સાથે ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગ્રુપ 127ના આંકડા સાથે રાજ્યસભામાં નાગરિકતા સુધારા ખરડાને પાસ કરાવીને એને કાયદાનું સ્વરૂપ આપવા આશાવાદી છે.
શિવસેના હવે ભાજપનો ભાગીદાર પક્ષ રહ્યો નથી, પરંતુ એણે લોકસભામાં ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતું. પરંતુ રાજ્યસભામાં પણ તેની તરફેણ કરશે એ હજી સ્પષ્ટ નથી. રાજ્યસભામાં એના 3 સભ્યો છે.
સામી બાજુએ, કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ)ના 64 સભ્યો છે અને એને બીજા 46નો ટેકો મળવાની આશા છે. એમાં તૃણમુલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીનો સમાવેશ થાય છે. આ પાર્ટીઓના ટેકા સાથે કોંગ્રેસ પાસે કુલ 110 સભ્યો છે.
આ વિવાદાસ્પદ કાયદામાં એવી જોગવાઈ છે કે મુસ્લિમોની બહુમતીવાળા 3 પડોશી દેશ – પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધાર્મિક અત્યાચારોથી ત્રાસીને ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા બિન-મુસ્લિમ નિરાશ્રીતોને ભારતમાં નાગરિકત્વ આપવામાં આવશે. વિરોધ પક્ષોનું કહેવું છે કે આ કાયદામાં મુસ્લિમોને સામેલ કરવામાં આવ્યા નથી તેથી એ કોમવાદી છે.