નવી દિલ્હી – પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવેલા લઘુમતી લોકોને ભારતમાં નાગરિકતા આપવાની પરવાનગી આપવા માટેનો નાગરિકતા સંશોધન (સુધારા) ખરડો આજે રાજ્યસભામાં પાસ થઈ ગયો છે. આ ખરડાની તરફેણમાં 125 વોટ પડ્યા હતા અને વિરુદ્ધમાં 105 વોટ પડ્યા હતા.
શિવસેનાનાં 3 સભ્યોએ વોટિંગ પહેલાં જ સભાત્યાગ કર્યો હતો. બહુજન સમાજ પાર્ટીના બે સભ્યો વોટિંગ વખતે ગેરહાજર રહ્યા હતા.
લોકસભાએ બે દિવસ પહેલાં આ ખરડાને 311-80 મતના માર્જિનથી પાસ કર્યો હતો. આજે રાજ્યસભાએ પણ પાસ કરી દેતાં આ ખરડાને કાયદો બનાવવાનો માર્ગ મોકળો થયો છે. જોકે એ પહેલાં એને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એમની મંજૂરી માટે મોકલવામાં આવશે.
આ ખરડામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં અત્યાચારનો શિકાર બનીને આવેલા લાખો અલ્પસંખ્યક લોકોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ અલ્પસંખ્યકો એટલે હિન્દુ, જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તી, શીખ વગેરે, પણ મુસ્લિમ નહીં. અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે ઉક્ત ત્રણેય દેશ ઈસ્લામિક છે અને ત્યાં મુસ્લિમો લઘુમતી નથી, પણ બહુમતી સમુદાય છે.