નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ ગત સપ્તાહે પાસ થયું ત્યારથી દેશમાં ઘણી જગ્યાએ વિરોધની જ્વાળાઓ ઉગ્ર રીતે પ્રજ્વલિત થઈ છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં આ કાયદા વિરુદ્ઘ 60 થી વધારે અરજીઓ પર સુનાવણી થશે. અરજી દાખલ કરનારા લોકોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ, ઈન્ડિયન મુસ્લિમ લીગ અને અસમમાં સત્તારુઢ ભાજપની સહયોગી પાર્ટી અસમ ગણ પરિષદનો સમાવેશ થાય છે. સીજેઆઈ જસ્ટિસ બોબડેના નેતૃત્વ વાળી ત્રણ જજોની બેંચ આ અરજી ઓ પર સુનાવણી કરશે. આ બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે.
કાયદા અનુસાર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડન સહન કરનારા અને 31 ડિસેમ્બર 2014 સુધી આવનારા હિંદૂ, શિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સંપ્રદાયના લોકોને ગેરકાયદેસર શરણાર્થી નહી પરંતુ ભારતીય નાગરિક માનવામાં આવશે. અરજીકર્તાનું કહેવું છે કે નાગરિકતા આપવા માટે ધર્મને આધાર ન બનાવવો જોઈએ. તેમણે નવા કાયદાને સંવિધાન વિરુદ્ધ ગણાવ્યો છે.
આ નવા કાયદાનો દેશમાં ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીમાં જામિયા બાદ ગઈકાલે સલીમપુર વિસ્તારમાં પણ હિંસક પ્રદર્શનો થયા. સંશોધિત નાગરિકતા કાયદા પર રાજનૈતિક લડાઈ મંગળવાર વધારે તેજ થઈ ગઈ કે જ્યારે વિપક્ષી દળોએ કાયદા વિરુદ્ધ રાષ્ટ્રપતિ પાસે મદદ માંગી જ્યારે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કંઈપણ થાય પરંતુ ત્રણ પાડોશી દેશોના બિન મુસ્લિમ લોકોને ભારતીય નાગરિકતા મળશે.
નાગરિકતા કાયદામાં સંશોધન વિરુદ્ધ ઘણા વિપક્ષી દળોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં એકજુટતા બતાવી અને સરકાર પર લોકોનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો. વડાપ્રધાન મોદીએ આ લોકો વિરુદ્ધ પલટવાર કર્યો અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસના લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે અને મુસ્લિમો વચ્ચે ભય ઉભો કરી રહ્યા છે.
વિપક્ષી દળોએ મોદી સરકાર પર જામિયા મિલિયા ઈસ્લામિયામાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને દેશમાં અન્ય જગ્યાઓ પર થઈ રહેલા પ્રદર્શનોને લઈને પ્રહાર કર્યા. સોનિયા ગાંધી તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, વામપંથી દળો સહિત 12 વિપક્ષી દળોના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. વિપક્ષી દળોના પ્રતિનિધિ મંડળની આગેવાની કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર જનતાનો અવાજ દબાવી રહી છે અને એવા કાયદા લાગી રહી છે કે જે લોકોને સ્વીકાર્ય નથી.