ગુજરાત ચૂંટણી પહેલાં ત્રણ દેશોના લોકોને નાગરિકતા અપાશે

નવી દિલ્હીઃ ગુજરાત ચૂંટણી પહેલાં ભાજપના નેતૃત્વવાળી મોદી સરકારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશથી આવીને ગુજરાતના બે જિલ્લાઓમાં રહી રહેલા અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. આ અલ્પસંખ્યકોમાં હિન્દુઓ સિવાય શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન ધર્મના લોકોનો સામેલ છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)થી સંબંધ ગૃહ મંત્રાલય દ્વારા નવા નિયમ હેઠળ જિલ્લા કલેક્ટરોને લોકોની તપાસ કરવા અને તેમણે નાગરિકતા આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ લોકોને નાગરિકતા, નાગરિકતા કાનૂન 1955 હેઠળ આપવામાં આવશે, નહીં કે વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 એટલે કે CAA હેઠળ. આ સંશોધિત અધિનિયમમાં પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગ્લાદેશથી આવનારા અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે, પણ સરકારે અત્યાર સુધી આ કાયદા હેઠળ નિયમો નથી બનાવ્યા, જેથી અત્યાર સુધી CAA હેઠળ કોઈ પણ વ્યક્તિને નાગરિકતા નથી આપવામાં આવી.

ગૃહ મંત્રાલયે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન ધર્મ માનનારા લોકો માટે નાગરિકતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ઘણી સરળ બનાવી દીધી છે.નવા નિયમ હેઠળ હવે કલેક્ટરોને લોકોની તપાસ કરવાનો અને તેમને નાગરિકતા આપવાનો અધિકાર છે, એમ આણંદના કલેક્ટર ડી. એસ. ગઢવીએ જણાવ્યું હતું. મહેસાણા અને આણંદના કલેક્ટરોને નાગરિકતા આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના તારાપુરમાં રહેતી અને પાકિસ્તાનના સિંધથી આવેલી મિતાલી મહેશ્વરીએ નાગરિકતા માટે અરજી કરી છે અને તે સરકારના આ નિર્ણયથી ખુશ છે.