નવી દિલ્હીઃ આપણા મોબાઈલમાં કેટલીક ચાઈનીઝ એપ એવી છે કે જેના વગર હવે લોકોને ચાલતુ નથી. પરંતુ જાણતા અજાણતા આ જ એપ્લિકેશન્સથી ભારતની આંતરિક સુરક્ષાને સંકટ છે એવી તાકીદ દેશની સુરક્ષા એજન્સીઓએ કરી છે. મનોરંજન અને ટાઈમપાસ માટે ઉપયોગમાં લેવાતી ચીની એપ્સ ટીકટોક, હેલો, યુસી બ્રાઉઝર અને ઝૂમને સુરક્ષા એજન્સીઓએ દેશ માટે જોખમી ગણાવી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીનની આવી 50થી વધારે એપ્સની યાદી આપી છે કે જે ભારતની આંતરિક સુરક્ષા માટે ખતરનાક છે. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અનુસાર આ એપ્સ દ્વારા દેશ અને સુરક્ષા સંબંધિત મહત્વના ડેટા ભારતની બહાર મોકલવામાં આવી રહ્યા છે. જે મોબાઈલ એપ્સને દેશની સુરક્ષા માટે જોખમી માનવામાં આવી છે તેમાં TikTok, Helo, UC Browser અને Zoom જેવી એપ્લિકેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલાઓ માટે શોપિંગ એપ Shien અને Xiaomi ને પણ સુરક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત જોખમી ગણવામાં આવી છે.
આ બધી એપ્લીકેશન્સનો ઉપયોગ લોકો મનોરંજન માટે કરે છે. પરંતુ આ તમામ એપ્સ આપના ફોનનું લોકેશન અને આપના દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ એપ્સ અને ઉપરાંત અન્ય એપ્સ પોતાની પાસે સ્ટોર કરે છે. ત્યારે આવા સમયે જેટલા પણ ભારતીયો આ એપ્સનો ઉપયોગ કરે છે, તેમનો તમામ ડેટા આ કંપનીઓ પોતાની પાસે રાખે છે. જાણકારોનું માનીએ તો ચીનની દરેક કંપનીને પોતાનો ડેટા ચીની સરકાર સાથે શેર કરવો જરુરી છે. ચીનની ગુપ્તચર એજન્સીઓ અને ચીનનું લશ્કર આ જ ડેટાને લઈને દેશ પર હુમલો કરવાની રણનીતિ તૈયાર કરે છે.
આ ચીની એપ્સથી દેશની સુરક્ષાને સંકટ હોવાનું મનાય છે
- TikTok
- Helo
- UC Browser
- UC News
- Sharit
- Likee
- 360 Security
- NewsDog
- SHEIN
- Vigo Video
- Vibo live
- Club Factory
એક અધિકારીના જણાવ્યા અનુસાર, દેશમાં ટીકટોક, હેલો, યૂસી બ્રાઉઝર અને ઝૂમ જેવી એપ્સનો ઉપયોગ કરનારો દરેક વ્યક્તિ ચીનની સરકારના રડારમાં છે. ત્યારે આવા સમયે જાણતા અજાણતા તમે જેટલા પણ વીડિયો, પોસ્ટ અને વાતચીત કરો છો તે તમામ જાણકારીઓ ચીની સર્વરમાં સ્ટોર થાય છે. આ એપ્સને ચલાવનારી કંપનીઓ ડેટા સાથે છેડછાડની વાતોને ફગાવતી હોય છે. પરંતુ ચીની સરકારને પોતાનો ડેટા શેર કરવાની વાત પર કોઈ કંપની વાત નથી કરતી.