નવી દિલ્હી- એશિયામાં ચીનના વધી રહેલા પ્રભાવ પર રોક લગાવવા ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા હાથ મિલાવી શકે છે. આ માટે ઓસ્ટ્રેલિયાએ ઉપરોક્ત દેશોને ચર્ચા માટે અપીલ કરી છે. મળતી માહિતી મુજબ ચીનના અબજો ડોલરના ખર્ચે નિર્માણાધિન પ્રોજેક્ટ OBOR વન બેલ્ટ વન રોડના વિકલ્પ તરીકે ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા એક સંયુક્ત ક્ષેત્રીય બુનિયાદી માળખું તૈયાર કરી રહ્યાં છે.ઓસ્ટ્રેલિયાના ફાઈનાન્શિયલ રિવ્યૂ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ ચાર દેશોને સાથે લઈને ચાલવાની યોજના હાલમાં શૈશવકાળમાં છે તેથી આ અંગે કોઈ જાહેરાત કરવી એ ઘણું જલદી કહેવાશે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના પીએમ આ સપ્તાહે અમેરિકાના રાજકીય પ્રવાસે જઈ રહ્યાં છે. મીડિયા અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના પીએમની અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો આ યોજના ચીનના OBORના વિકલ્પ રુપે તૈયાર રકવામાં આવી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે, ચીન તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરે તેની સામે કોઈ વિરોધ નથી પરંતુ તેના વિકલ્પ તરીકે અમે રોડ અથવા રેલ લિંક તૈયાર કરીને તેને ઉપયાગમાં લાવી શકીએ છીએ.
જાપાનના મુખ્ય કેબિનેટ સચિવે આ અંગે પત્રકારોના સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત તેના હિતોની રક્ષા કરવા આ અંગે નિયમિત રુપે ચર્ચા કરે છે. એનો અર્થ એમ નથી કે અમે OBORનો વિકલ્પ તૈયાર કરીએ છીએ. જાપાન તેના આધિકારિક વિકાસ સહાયતાનો (ODA) ઉપયોગ ઉચ્ચ સ્તરીય બુનિયાદી માળખાને વિકસિત કરવા સ્વતંત્ર છે.
આપને જણાવી દઈએ કે, ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ હાલમાં જ તેમના સુરક્ષા સહયોગને વધુ મજબૂત કરવા તેમજ ચીનના બુનિયાદી માળખાનો વિકલ્પ તૈયાર કરવા ચાર સ્તરીય ચર્ચા ફરીવાર શરુ કરી છે. આ ચર્ચા ગત વર્ષ નવેમ્બર મહિનામાં આયોજિત આસિયાન સમ્મેલન દરમિયાન શરુ કરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે, OBOR પ્રોજેક્ટ ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ચીને એશિયા, યુરોપ અને આફ્રિકાને રોડ, રેલ, બંદરગાહ અને ગેસ પાઈપલાઈનથી જોડવા માટે OBOR પરિયોજના શરુ કરી છે. OBORનો એક પ્રોજેક્ટ જે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) તરીકે ઓળખાય છે તે PoKમાંથી પસાર થાય છે અને ભારત આ યોજના અંગે પોતાનો વિરોધ નોંધાવતું રહ્યું છે.