નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે NCPCRની ભલામણો પર સોમવારે સ્ટે આપ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે NCPCRની ભલામણ પર કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં RTEનું પાલન ન કરતી મદરેસાઓને રાજ્ય તરફથી મળતું ભંડોળ બંધ કરવામાં આવશે નહીં. આ સાથે જ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પાઠવીને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે બિનમાન્યતા મદરેસાઓના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ટ્રાન્સફર કરવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય પર પણ સ્ટે લગાવી દીધો છે. જમિયત ઉલેમા-એ-હિંદ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે દલીલ કરી હતી કે NCPCRના પત્ર અને ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા સહિતના કેટલાક રાજ્યોની કાર્યવાહી પર સ્ટે મૂકવો જોઈએ.
આ અરજી જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં ઉત્તર પ્રદેશ સરકારના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ આદેશ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના રિપોર્ટ પર આધારિત હતો.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જે મદરેસાઓ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009નું પાલન નથી કરતી, જેથી તેમની માન્યતા રદ કરવી જોઈએ અને તમામ મદરેસાઓની તપાસ થવી જોઈએ.
સોમવારની સુનાવણીમાં CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે, કેન્દ્ર સરકાર અને રાજ્યોને નોટિસ પાઠવી હતી.