રાયપુર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના “આયુષ્યમાન ભારત”ને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખાસી લોકપ્રિયતા મળી રહી છે. આ યોજનાની બ્રાન્ડિંગ ‘મોદી કેર’ના નામથી પણ કરવામાં આવી રહી છે. પરંતુ મોદી સરકારની આ યોજના ભાજપ શાસિત રાજ્ય છત્તીસગઢમાં જ વિલંબમાં પડી રહી છે.છત્તીસગઢ મેડિકલ એસોસિએશને આયુષ્માન ભારતના આરોગ્ય કેન્દ્રોમાં સેવાઓ પૂરી પાડવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. મેડિકલ એસોસિએશની દલીલ છે કે, મુખ્યમંત્રી સ્વાસ્થ્ય બીમા યોજનાના (MSBY) પેકેજ દરથી પણ આયુષ્યમાન ભારત યોજનાના દર 40 ટકાથી પણ ઓછા છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલના રોજ બીજાપુરમાં આયુષ્યમાન ભારત યોજના લૉન્ચ કરી હતી.
છત્તીસગઢ મેડિકલ એસોસિએશને આયુષ્માન ભારત યોજનામાં ઈલાજની શરતોને ઘણી મુશ્કેલ ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ આ યોજના પ્રમાણે મહિલાઓની ડિલિવરી માત્ર સરકારી હોસ્પિટલોમાં જ કરવામાં આવશે. જો ત્યાંના ડોકટર્સને લાગશે કે, સ્થિતિ ગંભીર છે તો જ તેઓ દર્દીને ખાનગી હોસ્પિટલોમાં મોકલશે.
IMA છત્તીસગઢના ડોક્ટર્સે આયુષ્યમાન ભારત યોજનાના પેકેજના દરનો અસ્વીકાર કરવાનો નિર્ણય કર્યો છે. અને યોજના અંતર્ગત દર્દીઓનો ઈલાજ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. IMAએ રાજ્યના આરોગ્ય વિભાગને આ અંગે લેખિતમાં માહિતી આપી છે. જોકે છત્તીસગઢ હોસ્પિટલ બોર્ડના ચેરમેન ડૉ રાકેશ ગુપ્તાએ જણાવ્યું કે, IMA આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબ દર્દીઓની સારવાર માટે પ્રતિબદ્ધ છે. પરંતુ આ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પોતે જ મુશ્કેલ સંજોગોનું નિર્માણ કરી રહ્યું છે.