નવી દિલ્હીઃ કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે ઇન્ડિયન રેલવે સતત ટ્રેનોની સંખ્યામાં વધારો કરી રહી છે. આ વાઇરસના સંક્રમણથી બચાવ માટે માત્ર કન્ફર્મ ટિકિટ મેળવતા યાત્રીઓને જ રેલવેમાં પ્રવાસ કરવાની મંજૂરી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોપોરેશન એટલે કે IRCTCએ ટ્રેનોના સંચાલનની સાથે કરન્ટ ટિકિટોનાં બુકિંગ પણ શરૂ કર્યાં છે. જોકે કોરોનાને કારણે રેલવેએ રિઝર્વેશન ટિકિટના ફોર્મમાં કેટલાંક પરિવર્તન કર્યાં છે.
હવે આ માહિતી આપવી જરૂરી
હવે પ્રવાસીઓએ ફોર્મમાં પોતાનું પૂરું સરનામું, મકાન નંબર, ગલી, કોલોની, શહેર અને જિલ્લાની માહિતી પણ આપવી પડશે. તમે પ્રવાસ કરતી વખતે જે મોબાઇલ રાખો, એનો નંબર પણ ભરવો પડશે. તમે રિઝર્વેશન કાઉન્ટરોથી ટિકિટ લો અથવા IRCTCની વેબસાઇટ અથવા એપથી- બધામાં આ માહિતી આપવી પડશે.
ફોર્મ ભરવામાં મોડું થાય તો ટિકિટ ખતમ
જોકે આવામાં સવાલ એ ઊભો થાય છે કે આનાથી ટિકિટ બુક કરવામાં મોડું થાય અને જ્યાં સુધી ફોર્મ ભરીશું ત્યાં સુધી ટિકિટ ખતમ થઈ જશે અથવા દલાલ એના પર કબજો કરી લેશે. જોકે રેલવે આ વિશે સ્પષ્ટતા કરી છે કે એક ફોર્મ ભરવામાં 70 સેકન્ડથી વધુનો સમય નહીં લાગે.
રિઝર્વેશન સોફ્ટવેર સિસ્ટમમાં બદલાવ
રેલવેએ પણ સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે સોફ્ટવેરમાં બદલાવ કર્યો છે. રેલવેએ સ્ટેશનો પર રિઝર્વેઝશન કાઉન્ટર (PRS)થી જોડાયેલા સોફ્ટવેરમાં પણ બદલાવ કર્યો છે. રેલવેના પ્રોફાર્મમાં પ્રવાસીને સરનામું, મકાન નંબર, ગલી, કોલોની શહેર અને જિલ્લાની માહિતી આપવી પડશે.
IRCTC કેન્સલેશન અને રિફંડના નિયમ
રેલ યાત્રીઓને ટિકિટના કેન્સલેશન અને ભાડાના રિફંડના નિયમ 2015 લાગુ છે. કન્ફર્મ ટિકિટ પર ડિપાર્ચરના ચાર કલાક પહેલાં ટિકિટ રદ નહીં કરાવવા પર રેલવે તમને કોઈ રિફંડ નહીં આપે. જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ છે અને એને રદ કરાવવા ઇચ્છો છો તો ડિપાર્ચરના ચાર કલાક પહેલાં ટિકિટ રદ કરાવવા પર રિફંડ મળશે. જો ટ્રેન કેન્સલ થઈ તો ફુલ રિફંડ આપવામાં આવશે. તમે ટ્રેન ડિપાર્ચર ટાઇમના ત્રણ દિવનસોની અંદરના સમયગાળામાં રિફંડ લઈ શકો છો.