શ્રમિકોને ઘેર પહોંચાડવા સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યા 15 દિવસ

નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે ગૃહમંત્રાલય તરફ પ્રવાસી મજૂરોને તેમના વતન મોકલવાના આદેશ આપવામાં આવ્યા હતા. એક મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ ઘણા રાજ્યોમાંથી પ્રવાસી મજૂરો પોતાના ઘરે નથી પહોંચી શક્યા.

પ્રવાસી શ્રમિકોની દુર્દશાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેના પર આજે સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. સાથે સુપ્રીમે તમામ રાજ્યોને ઘરે પરત ફરતા પ્રવાસીઓ માટે રોજગારની વ્યવસ્થા કરવા પણ કહ્યું છે.  સુપીમે કહ્યું કે દરેક રાજ્યોને રેકોર્ડ પર બતાવવું પડશે કે તેઓ કેવી રીતે રોજગાર અને અન્ય પ્રકારની રાહત આપશે. પ્રવાસીઓનું જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે રજીસ્ટ્રેશન પણ થવું જોઇએ.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અત્યારે લગભગ 1 કરોડ મજૂરોને ઘરે પહોંચાડવામા આવ્યા છે. રોડ માર્ગે 41 લાખ અને ટ્રેનથી 57 લાખ પ્રવાસીઓને ઘરે પહોંચાડ્યા છે. 3 જૂન સુધીમાં ભારતીય રેલવેએ 4228 શ્રમિક ટ્રેનો દોડાવી છે. જેમાંથી મોટાભાગની ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહાર માટે ચલાવવામાં આવી હતી.

તુષાર મહેતાએ વધુમાં કહ્યું કે અમે રાજ્ય સરકારોના સંપર્કમા છીએ. રાજ્યો દ્વાર એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જો કોઇ રાજ્ય ટ્રેન માટે માંગણી કરે તો કેન્દ્ર સરકાર 24 કલાકની અંદર મદદ કરશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે 15 દિવસનો સમય આપીએ છીએ જેથી દરેક રાજ્યોના પ્રવાસી શ્રમિકોના પરિવહનને પૂર્ણ કરવાની મંજૂરી મળી શકે. આ પહેલા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે આ મામલે તેમનો પક્ષ રાખવાની મંજૂરી માગી છે. તેમનું કહેવું છે કે અમે નથી ઇચ્છતા કે શ્રમિકોના અધિકારોનું ઉલ્લંઘન થાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]