નવી દિલ્હીઃ ભારત સરકાર જૂન મહિનાથી આંતરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ કરવા વિચારે છે ત્યારે હવાઈ, દરિયાઈ કે જમીન માર્ગે ભારત આવનાર પ્રવાસીઓ માટે તેણે 15 નવા નિયમો ઘડ્યા છે. કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ઘડેલા આ નિયમોમાં દર્શાવાયું છે કે ભારતમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ 14 દિવસ સુધી ફરજિયાત ક્વોરન્ટાઈન સ્થિતિમાં રહેવું પડશે.
આ ક્વોરન્ટાઈન સમયગાળામાં સાત દિવસ એમના પોતાના ખર્ચના સંસ્થાકિય ક્વોરન્ટાઈન હશે જ્યારે બીજા સાત દિવસ એમણે પોતાના ઘરમાં જ ક્વોરન્ટાઈન રહેવું પડશે અને પોતાના સ્વાસ્થ્ય પર જાતે જ દેખરેખ રાખવી પડશે.
તમામ પ્રવાસીઓએ કોઈ ફ્લાઈટ કે જહાજ કે જમીન માર્ગના વાહનમાં બેસતા પહેલા 14-દિવસ માટે ક્વોરન્ટાઈન થવા માટે લેખિતમાં ખાતરી આપવી પડશે.
મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે અમુક અપવાદના કેસોમાં, જેમ કે, કોઈ વ્યક્તિને માનસિક રીતે અસ્વસ્થ હોય, કોઈ સ્ત્રી ગર્ભવતી હોય, પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય, કોઈને ગંભીર બીમારી હોય અને 10 વર્ષથી નીચેની વયના બાળકો સાથેના માતાપિતા હોય તો એમને માટે 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનની પરવાનગી આપવામાં આવશે. આવા અપવાદના કેસોમાં પણ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજિયાત રહેશે.
ભારત આવનાર તમામ પ્રવાસીઓને એમના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. થર્મલ સ્ક્રીનિંગ કરાયા બાદ જેમનામાં કોરોના વાઈરસના કોઈ લક્ષણ નહીં હોય માત્ર એમને જ તેમજ ફ્લાઈટ કે જહાજમાં ચડવા દેવામાં આવશે.
ભારત સરકારે 25 મેના સોમવારથી તો ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. જોકે અમુક રાજ્યો એ માટે તૈયાર નથી.
તમામ પ્રકારનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ભારત સરકારે બે મહિનાથી સસ્પેન્ડ કર્યો છે. કોરોના વાઈરસના ચેપને રોકવા માટે સરકારે 25 માર્ચથી દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું હતું. જોકે હવે ધીમે ધીમે એમાં છૂટછાટો આપવામાં આવી રહી છે.
આ છે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના 15 નિયમોની વિગત.