કેન્દ્રએ કોરોનાની ગાઇડલાઇન્સનો સમયગાળો 31-જાન્યુઆરી સુધી વધાર્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે કોવિડ-19ના દિશાનિર્દેશોને 31 જાન્યુઆરી સુધી વધારી દીધી છે, એમ ગૃહ મંત્રાલયે કહ્યું હતું. દેશમાં કોરોનાના કેસોમાં વધારાને જોતાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને 31 જાન્યુઆરી, 2022 સુધી કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સનું સખતાઈથી પાલન કરવા નિર્દેશ આપ્યો છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ કહ્યું હતું કે દેશમાં સક્રિય કોરોના વાઇરસના સક્રિય કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, પણ કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન વાઇરસ કોરોનાના ડેલ્ટા વાઇરસ કરતાં કમસે કમ ત્રણ ગણો વધુ સંક્રમણ ફેલાવી શકે છે, જેથી  કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સાવચેત પગલાં લેવાં એ એક પડકાર આપી રહ્યો છે.

દેશમાં કોરોનાનો ઓમિક્રોન 21 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે અને ઓમિક્રોન અત્યાર સુધીમાં 653 કેસો નોંધાઈ ચૂક્યા છે. જેથી બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવું જરૂરી છે અને સુરક્ષાને ઓછી નહીં કરવી જોઈએ. તહેવારોની સીઝનમાં ભીડને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પ્રતિબંધો પર વિચાર કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

વૈશ્વિક સ્તરે ઓમિક્રોનના કેસો 116 દેશોમાં નોંધવામાં આવી ચૂક્યા છે, આ સિવાય અમેરિકા, યુકે, યુરોપ, રશિયા, દક્ષિણ આફ્રિકા, વિયેતનામ અને ઓસ્ટ્રેલિયામાં કેસોમાં ઉછાળો આવ્યો છે, જેથી દેશમાં કોરોના રોગચાળા સામે સાવધાની વર્તવી જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું.