નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગઈ કાલે રાતે એક મહત્ત્વનો નિર્ણય લઈને પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સંગઠન, તેને સંલગ્ન જૂથો અને સંગઠનો, એના સહયોગીઓ તથા મોરચાઓ (ફ્રન્ટ)ને ગેરકાયદેસર સંગઠનો તરીકે ઘણાવીને એમની પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યાનુસાર પીએફઆઈ સંગઠનને જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે સંબંધો છે. તે ઉપરાંત તેના કેટલાક સ્થાપક સભ્યો સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સીમી)ના નેતાઓ છે. ભારત સરકારે જેએમબી અને SIMI – આ બંને સંગઠન પર પહેલેથી જ પ્રતિબંધ મૂક્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પીએફઆઈની સાથે રીહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા ઈમામ્સ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન, નેશનલ વીમેન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન, રીહેબ ફાઉન્ડેશન, કેરાલા – આ સંગઠનો ઉપર પણ તે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાનું જણાવી એમની પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.