વડા ચૂંટણી કમિશનરે શેષન જેવા બનવું જોઈએઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપણા દેશના બંધારણમાં વડા ચૂંટણી કમિશનર (CEC) તથા એમના બે સહયોગી ચૂંટણી કમિશનરો (ECs)ના નાજુક ખભાઓ પર પ્રચંડ શક્તિ આપેલી જ છે તેથી કોઈ પણ વડા ચૂંટણી કમિશનરે સ્વ. ટી.એન. શેષન જેવા બનવું જોઈએ અને જરૂર પડે તો વડા પ્રધાન જેવા ઉચ્ચ પદ પરની વ્યક્તિ સામે પણ પગલાં લેતા અચકાવું ન જોઈએ.

ઉલ્લેખનીય છે કે, શેષન કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ કેબિનેટ સચિવ હતા અને 1990ની 12 ડિસેમ્બરે એમને દેશના વડા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે પોતાની છ-વર્ષની મુદત 1996ની 11 ડિસેમ્બર સુધી નિભાવી હતી.  પોતાની મુદત દરમિયાન એમણે દેશના ચૂંટણી કાયદાઓમાં અનેક સુધારા અમલમાં મૂકાવ્યા હતા. 2019ની 10 નવેમ્બરે એમનું નિધન થયું હતું.

ન્યાયમૂર્તિ કે.એમ. જોસેફની આગેવાની હેઠળ પાંચ-જજની બંધારણીય બેન્ચે કહ્યું છે કે બંધારણની જોગવાઈ એક એવો પ્રયાસ છે જે દ્વારા એક એવી પ્રણાલી સ્થાપિત કરવાની છે જેથી વડા ચૂંટણી કમિશનર તરીકે શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરી શકાય. અત્યાર સુધીમાં અનેક વડા ચૂંટણી કમિશનરો થઈ ગયા. ટી.એન. શેષન જેવા તો ભાગ્યે જ મળે. એમના જેવા બને એ માટે અમે કોઈ પ્રકારની જબરદસ્તી કરવા માગતા નથી. કહેવાની વાત એટલી જ છે કે આપણા બંધારણમાં ત્રણ વ્યક્તિ (વડા ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરો)ના નાજુક ખભા પર પ્રચંડ શક્તિ આપવામાં આવી છે. આપણે જ CEC પદ માટે શ્રેષ્ઠ અને સક્ષમ વ્યક્તિને પસંદ કરવાની છે. બેન્ચ પરના અન્ય ન્યાયાધીશો હતાઃ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, ઋષિકેશ રોય અને સી.ટી.રવિકુમાર.

કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત થયેલા એટર્ની જનરલ આર. વેંકટરામાનીએ કહ્યું કે આમાં તો ખુદ સરકાર પણ વિરોધ નહીં કરે. સવાલ માત્ર એટલો છે કે એવી શ્રેષ્ઠ વ્યક્તિને કેવી રીતે શોધવી.

કોર્ટે નિર્દેશ કર્યો હતો કે 2004ની સાલથી એકેય વડા ચૂંટણી કમિશનરે પોતાની છ-વર્ષની મુદત પૂરી કરી નથી. યૂપીએ સરકારના 10 વર્ષના શાસનમાં છ CEC નિમાયા હતા અને એનડીએ સરકારના અત્યાર સુધીના આઠ વર્ષના શાસનમાં આઠ CEC નિમાયા છે. CEC અને ECs ની પસંદગી માટે કોઈ કોલેજિયમ-પ્રકારની પ્રણાલી અપનાવવામાં આવે એવી એક જનહિતની અરજી પર આ સુનાવણી થઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]